Site icon Revoi.in

પાલિતાણાના કદમગીરી ડૂંગર પર મધરાતે લાગેલી આગ ભારે જહેમત બાદ નવ કલાકે કાબુમાં આવી

Social Share

ભાવનગરઃ  જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં ગત મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી ફાટી નિકળતા પાલીતાણાના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાને કારણે શિહોર, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર અને ગારીયાધારથી ફાયર ફાઈટરોએ દોડી આવીને  સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે વન કલાકની જહેમત બાદ આજે સવારે 8.30 કલાકે આગ પર કાબુ મેળવી શકાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલીતાણાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં આગ ફાટી નિકળી હોવાનો ગત મોડી રાતના 12:30 કલાક આસપાસ પાલીતાણા ફાયર વિભાગને કોલ મળ્યો હતો.આથી પાલીતાણા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરીને શિહોર, મહુવા, તળાજા તથા ગારીયાધાર, અલંગ તથા ભાવનગરના ફાયરફાઈટરોની મદદ માગવામાં આવી હતી. તમામ ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.અને આગને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.તમામ ફાયર સ્ટાફની ભારે જહમત બાદ સવારે 8:30 કલાકે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી, આમ, 9 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.  પાલીતાણા ફાયર બ્રિગેડના મયંકભાઈ ઉપાધ્યાય અને જયદીપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પાલીતાણા કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં એકાએક આગ લાગી હતી જ્યાં ઘટનાસ્થળે તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ દોડી જઇ પાણીનો મારો ચલાવ્યો હતી પણ આગ એટલી વિકરાળ હોવાને કારણે ભાવનગર જિલ્લાઓની પણ ફાયરવિભાગની ટીમોને તાત્કાલિક જોડાઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગનું કારણ જાણવા મળ્યુ નથી, આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.