નવી દિલ્હીઃ ખાણ મંત્રાલય, શક્તિ સસ્ટેઇનેબલ એનર્જી ફાઉન્ડેશન (શક્તિ), ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ (સીઇઇડબલ્યુ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ (આઇઆઇએસડી)ના સહયોગથી, નવી દિલ્હીમાં લોધી એસ્ટેટમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે 29 એપ્રિલથી 30 એપ્રિલ, 2024 સુધી “ક્રિટિકલ મિનરલ્સ સમિટઃ એન્હાન્સિંગ બેનિફિશિએશન એન્ડ પ્રોસેસિંગ ક્ષમતાઓ”નું આયોજન કરશે.
ક્રિટિકલ મિનરલ્સ સમિટ મહત્ત્વપૂર્ણ ખનિજ લાભ અને પ્રોસેસિંગના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા, જ્ઞાન વહેંચવા અને નવીનતાને વેગ આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલ એક મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ છે. આ શિખર સંમેલન ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિ અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જે અક્ષય ઊર્જા પ્રણાલીઓ અને ઇલેક્ટ્રિક વાહનો સહિત મુખ્ય ટેકનોલોજીઓ માટે આવશ્યક મહત્ત્વપૂર્ણ કાચા માલ (સીઆરએમ)નો સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂકે છે.
આ સમિટ વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને એકમંચ પર લાવશે, જેમાં ઉદ્યોગજગતનાં અગ્રણીઓ, સ્ટાર્ટ-અપ્સ, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને નીતિગત નિષ્ણાતો સામેલ છે. સહભાગીઓ સક્રિય સંવાદ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપમાં જોડાશે, જે ખનીજ હરાજીની પ્રગતિ, સીઆરએમ ઇકોસિસ્ટમ વિકાસ માટે નીતિગત પ્રોત્સાહનો અને વ્યાવસાયિક રીતે વ્યવહારિક અને પર્યાવરણને અનુકૂળ સોલ્યુશન્સની પ્રગતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ સમિટની મુખ્ય લાક્ષણિકતાઓમાં આઠ મુખ્ય ખનિજો પરના ટેકનિકલ સત્રોનો સમાવેશ થાય છેઃ ગ્લાઉકોનાઇટ (પોટાશ), લિથિયમ – રેર અર્થ એલિમેન્ટ્સ (લેટરાઇટ), ક્રોમિયમ, પ્લેટિનમ ગ્રૂપ, ગ્રેફાઇટ, ટંગસ્ટન જે ગ્રેફાઇટ સાથે સંકળાયેલા છે, રેર અર્થ્સ (આરઇ), અને ગ્રેફાઇટ સાથે સંકળાયેલા વેનેડિયમ. આ સત્રો બિઝનેસ-ટુ-બિઝનેસ સહયોગ અને જ્ઞાનની વહેંચણી માટે મૂલ્યવાન તકો પ્રદાન કરશે.
ક્રિટિકલ મિનરલ્સ સમિટનો ઉદ્દેશ સરકાર અને ઉદ્યોગનાં હિતધારકોને સીઆરએમનાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે જરૂરી જાણકારી, જોડાણો અને જરૂરી સાધનોથી સજ્જ કરવાનો છે, જે ભારતની આર્થિક વૃદ્ધિ અને સ્થાયીત્વનાં ઉદ્દેશોને ટેકો આપશે.