Site icon Revoi.in

પાટણમાં રખડતા ઢોર પકડવા ધારાસભ્ય લાકડી લઈને નિકળ્યા

Social Share

પાટણઃ શહેરમાં જાહેર રોડ રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં હાલ વરસાદી સીઝનમાં રખડતા ઢોર ટોળેવળીને રોડ પર બેસી રહેતા હોવાથી વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે, ત્યારે શહેરના નાગરિકોએ સ્થાનિક ધારાસભ્યને આ બાબતે જાણ કરતા  ધારાસભ્ય કિરીટ પટેલ મંગળવારે મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા હતા. સ્થાનિક લોકો અને પાલિકાની ટીમને સાથે રાખી હાશાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા. ધારાસભ્યએ કહ્યું હતું કે, જો નગરપાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરને પકડીશ.

પાટણ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. માત્ર પાટણ શહેરમાં જ નહીં પણ હાઈવે પર પણ રખડતા પશુઓને કારણે નાના-મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. પાટણ શહેરના  મોહલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પુરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારોમાં રખડતા પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે.

દરમિયાન શહેરના હાશાપુર હાઇવે માર્ગ પર રખડતા ઢોરના ટોળાઓના ત્રાસથી તે  વિસ્તારના રહીશોએ રાત્રે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ જાણ કરતા ધારાસભ્યએ તાકીદે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસને જાણ કરી હતી. જેથી નગરપાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે હાશાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઇવે પરના પશુઓને નજીકની એક સોસાયટીમાં સ્થાનિકો અને ધારાસભ્યના સહયોગથી એકત્ર કર્યા હતા અને બાદમાં આ ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા. આમ શહેરમાં રખડતા ઢોરનો પેચીદો પ્રશ્ન છે.