Site icon Revoi.in

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે ધ્રાંગધ્રા અને હળવદના ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા દાડમ, લીંબુ, જામફળ, ખારેક, ડ્રેગનફ્રુટ વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. તાજેતરમાં થયેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને બાગાયતી પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ નુકસાનના વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે

ખેડૂતોના પાકને નુકશાની ઉપરાંત હળવદ તાલુકામાં આવેલા વિવિધ બ્રિજ/પુલ જેવા કે દીઘડીયા પુલ, મયુરનગર પુલ, કોયબા પુલ અને ઘણા-રણમલપુર બ્રિજ તૂટી જવાથી આ ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અનેક રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે. ત્યારે આ બાબતે હળવદ-ધ્રાંગધ્રા દસાડા પાટડી  વિસ્તારમાં વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે અને તૂટી ગયેલા રોડ/બ્રિજ/પુલનું સત્વરે રિપેરિંગ કરવા માંગ કરી છે