દિલ્હી:કેનેડાએ સોમવારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે.
રિપોર્ટ અનુસાર, કેનેડાના હાઈ કમિશનરને આજે સવારે ભારત સરકાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. અને કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવાની માહિતી આપવામાં આવી હતી. હાંકી કાઢવામાં આવેલા રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.
મોદી સરકારની આ કાર્યવાહી ભારતની આંતરિક બાબતોમાં કેનેડિયન રાજદ્વારીઓની દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને લઈને ભારત સરકારની વધતી ચિંતા દર્શાવે છે.
જૂન 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારીને કેનેડામાંથી હાંકી કાઢ્યા હતા. જો કે, ભારત સરકારે કેનેડાના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે અને કહ્યું છે કે કેનેડામાં હિંસાના કોઈપણ કૃત્યમાં ભારત સરકારની સંડોવણીના આરોપો વાહિયાત અને પ્રેરિત છે.
ભારતની સુરક્ષા એજન્સીઓએ હરદીપ સિંહ નિજ્જરને ભાગેડુ અને આતંકવાદી જાહેર કર્યો હતો. આ સિવાય રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા નિજ્જર પર 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. જૂન 2020 માં, કેનેડાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડિયન સંસદ (હાઉસ ઑફ કૉમન્સ)માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારત સરકાર અને કેનેડિયન નાગરિકની તપાસ કરી રહી છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેની કડીઓના આરોપોની સક્રિયપણે તપાસ કરી રહ્યા છીએ. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ અમારા કાયદાનું ઉલ્લંઘન છે. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”