નવી દિલ્હીઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણઈ યોજાવાની છે જેને લઈને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભાજપ દ્વારા પણ અત્યારથી જ રણનીતિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન સંસદના બજેટ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રની મોદી સરકારે સંસદના બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવા માટે કવાયત શરૂ કરી છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે. ભારત જોડો યાત્રાને પ્રજાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમ સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ ભાજપાએ સહયોગી પાર્ટીઓને સાથે રાખીને જ વર્ષ 2024ની ચૂંટણીમાં ઝંપલાવશે. જેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં મોદી સરકારના વિસ્તરણની કવાયત શરૂ કરવામાં આવી છે.
આ મહિનાના અંતિમ સપ્તાહમાં સંસદનું બજેટ સત્ર શરૂ થશે. તે પહેલા જ કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતા છે. મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચાઓ વધુ તેજ બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેટલાક સહયોગી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત બાદ 8મી જાન્યુઆરીના રોજ રાતના મુખ્યમંત્રીની આગેવાનીમાં મેરેથોન બેઠક યોજાઈ હતી. સહયોગી પાર્ટીઓના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે.