અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનું કામ પૂર્ણ થયા પહેલા જ કોન્ટ્રાકટરને નાણા ચૂકવી દેવાયા હતા
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બનાવ્યાને પાંચ વર્ષમાં તૂટી જતાં વિપક્ષ દ્વારા કૌભાંડ થયાના આક્ષેપો કરાયા છે. આ બ્રિજકાંડમાં એક પછી એક નવા કૌભાંડો ખુલતા જાય છે. હજુ તો હલકી કક્ષાના મટીરિયલ અંગે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ત્યાં સરકારના ઓડિટ રિપોર્ટમાં બ્રિજના બાંધકામ સમયે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની ચોંકાવનારી વિગતો ઓડિટમાં બહાર આવી છે. 2015-16ના ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બ્રિજનું બાંધકામ પૂર્ણ થયા પહેલાં જ બિલો ચૂકવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ બ્રિજની કામગીરીમાં વિલંબ થયો હતો તે પેટે કોન્ક્ટ્રાક્ટર પાસે વળતર પેટે નિયમ મુજબ મ્યુનિ.ને નાણા લેવાના થાય જે 12.69 લાખના દંડથી પણ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને બચાવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો બ્રિજ હાલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. તેમજ કેટલાક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હોવાથી બ્રિજ લાંબા સમયમાંથી વાહન વ્યવહાર માટે બંધ છે. બીજી તરફ આ બ્રિજની કામગીરીમાં કૌભાંડના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન પ્રાથમિક રિપોર્ટમાં બ્રિજનો ક્ષતિગ્રસ્ત વચ્ચેનો ભાગ ઉતારી લેવા માટે ભલામણ કરવામાં આવી હતી. 45 મીટરના બંને સ્પાન ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોવાથી તેને બદલવા પણ ભલામણ કરવામાં આવી છે. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. બીજી તરફ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અમદાવાદના શાસક પક્ષ ભાજપને ઘેરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. આજે કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો. તેમજ સૂત્રોચ્ચાર કરીને જવાબદાર કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનાવેલો છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ જર્જરિત બની ગયો છે. માત્ર ટુંકાગાળામાં બ્રિજ જર્જરિત કેમ બન્યો, તેની તપાસ કરવામાં આવી રહી છે. અને તેના ઓડિટમાં સંખ્યાબંધ ક્ષતિ અને ગેરરીતિ બહાર આવી હતી જેનો રિપોર્ટ પણ જે તે સમયે રાજ્ય સરકારના ઓડિટ વિભાગે કોર્પોરેશનને આપ્યો હતો. જો કે, આ ઓડિટ રિપોર્ટ પર મ્યુનિ.એ કોઈપણ પ્રકારની તપાસ ન કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પણ મ્યુનિ.ના સત્તાધિશો બ્રિજ બનાવનારા કોન્ટ્રાકટરને બચાવી રહ્યાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે, ઓડિટ રિપોર્ટમાં આ 8 મુદ્દાઓની ગેરરીતિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના પ્રમાણપત્રના આધારે બિલ બને. બિલ નંબર 25-26માં એક જ સમયે બાંધકામ પૂરું થયેલું બતાવી દેવાયું હતુ. થતાં કામ પૂર્ણ થવામાં વિલંબ પેટે કોન્ટ્રાક્ટર પાસેથી 10 ટકા લેખે 12.69 લાખની વસૂલાત કરવાની થતી હતી. જે તંત્રએ કરી જ નહીં. અને સુપરવિઝન અને કન્ટિઝન્સી ચાર્જ પેટે ગ્રાન્ટમાંથી 3 ટકાને બદલે 5.45 ટકાની ગ્રાન્ટ કાપી જેને કારણે અન્ય કામોમાં અછત સર્જાઈ હતી. એક્સ્ટ્રા આઈટમ પેટે ટેન્ડરની શરતોને બાજુએ મૂકી દીધી અને 11.19 લાખ ચૂકવાયા આંતરિક ઓડિટની વ્યવસ્થા નબળી હોવાનું ખૂલ્યું હતું