અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયાં બાદ જૂન મહિનામાં 14.53 ટકા વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રાતના અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. નૈઋત્ય ચોમાસના પ્રવેશના એક-બે દિવસમાં જ સ્થગીત થઈ ગયા બાદ હજુ એકાદ સપ્તાહ સુધી તે સક્રિય થાય તેવા એંધાણ નથી.
રાજયમાં ચોવીસ કલાક દરમિયાન 11 જિલ્લાના 34 તાલુકાઓમાં છુટાછવાયાથી માંડીને નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો વરસાદ હતો. સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નવસારીમાં નોંધાયો હતો. જીલ્લાનાં જલાલપોરમાં એક ઈંચ વરસાદ હતો અને અન્યત્ર છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. સુરત જીલ્લામાં પણ થોડુ ઘણુ જોર હતુ મહુવામાં તથા બારડોલીમાં અઢી ઈંચ તથા માંડવીમાં એક ઈંચ હતો. અન્યત્ર ઝાપટા પડયા હતા.
હવામાન વિભાગ દ્વારા હજુ એક સપ્તાહ સાર્વત્રીક ભારે વરસાદ થવાની શકયતા ન હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હળવા વરસાદ ધરાવતાં ક્ષેત્રો પણ ઘટી ગયા છે.દરમ્યાન રાજયમાં જુન મહિના દરમિયાન સીઝનનો 122.04 મીમી એટલે કે 14.53 ટકા વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ 16.23 ટકા વરસાદ દ.ઝોનમાં નોંધાયો છે. ઉતર ઝોનમાં 12.81 મધ્યઝોનમાં 14.85 ટકા તથા સૌરાષ્ટ્રમાં 12.17 ટકા પાણી વરસ્યુ છે. કચ્છમાં અત્યાર સુધીમાં 12.62 ટકા વરસાદ નોંધાયો છે. ચોમાસાનાં પ્રવેશ વખતે રાજયભરમાં મેઘમહેર થઈ હતી એટલે એકપણ તાલુકા કોરા રહ્યા નથી.