સુરેન્દ્રનગરના કેન્દ્રીય મંત્રી બનેલા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ સરકારી કાર અને સિક્યુરિટી લેવાની ઘસીને ના પાડીદીધી
સુરેન્દ્રનગરઃ સાંસદ કે ધારાસભ્ય બને તેનો સમાજમાં વટ હોય છે, એમાંયે જો સત્તાધારી પક્ષના ધારાસભ્ય કે સાંસદો સમાજમાં વટ પાડવા માટે પ્રજાના ખર્ચે સિક્યુરિટી પણ સાથે રાખતા હોય છે. જો ધારાસભ્ય કે સાંસદ કેન્દ્ર કે રાજ્યમાં પ્રધાન બને તો સરકારની લક્ઝરી કાર, સાથે ગનમેન સાથેની સિક્યુરિટી, સરકારી બંગલો અને અન્ય સુવિધાઓ મળતી હોય છે. પરંતુ સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુજપરા કેન્દ્રમાં મંત્રી બનતા જ તેમણે સરકારી કાર કે સિક્યુરિટી લેવાનો ઈનકાર કરી દીધો છે.
સુરેન્દ્રનગરના સાંસદ અને તાજેતરમાં જ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન બનેલા ડો. મહેન્દ્ર મુંજપરાએ મંત્રી બનતા પોતાને મળેલી સરકારી ગાડી અને સિકયુરિટી લેવાનો સ્વેચ્છાએ ઈનકાર કરી રાજકારણીઓને નવી રાહ ચીંધી છે. ડો. મહેન્દ્ર મુંજપરાને કેંદ્રમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ પ્રધાન બનાવવામા આવ્યા છે. કેંદ્રમાં મંત્રી હોવાના કારણે પ્રોટોકોલ મુજબ તેઓને 9 કમાન્ડોની સિક્યુરિટી મળે છે, સાથે સરકારી કાર પણ મળે છે. પરંતુ, ડો. મુંજપરાએ સુરેન્દ્રનગરની માફક દિલ્હીમાં પણ સાદગીનું ઉદાહરણ પુરું પાડી કાર અને સિકયુરિટી લેવાનો ઈન્કાર કર્યો છે. મુંજપરાએ કહ્યું કે, હું ડોકટર અને લોકસેવક છું, મારા કોઈ દુશ્મન નથી તો મારે સિક્યુરિટીની જરુર નથી.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામા આવી હતી. ડોકટર મુંજપરાએ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ કૉંગ્રેસના કદાવર નેતા સોમાભાઈ પટેલ સામે જીત મેળવી હતી. સરકારે ડો. મુંજપરાના સામાજિક અને રાજકીય ક્ષેત્રના પ્રદાનને જોઈ હવે કેંદ્રમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી પણ સોંપી છે. ત્યારે રાજનેતાઓમાં મંત્રી બન્યા બાદ જેનું સૌથી વધુ આકર્ષણ હોય છે તે સિક્યુરિટી અને કારનો સ્વેચ્છાએ સ્વીકારવાનો ઈન્કાર કરી રાજકારણમાં નવી કેડી કંડારી છે.