આણંદઃ ખંભાત શહેર એક જમાનામાં વહાણવટાનું મહત્વનું કેન્દ્ર ગણાતુ હતુ. તે જમાનામાં શહેર સમૃદ્ધ ગણાતુ હતુ. ત્યારબાદ ખંભાત શહેરે અનેક તડકા-છાંયા જોયા છે. શહેરમાં નવાબીકાળથી ત્રણ દરવાજા સ્થિત નગરપાલિકા ભવનમાંથી સંચાલન કરવામાં આવે છે. આ મકાન જર્જરિત થવાથી તેના નવનિર્માણની રજૂઆત સ્થાનિક ધારાસભ્ય મયુર રાવલને કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રસ્તાવને આધારે શહેરી વિકાસ બોર્ડમાં રજૂઆત કરતા રૂપિયા 1 કરોડ 75 લાખ નગર સેવા સદન માટે મંજૂર કરવામાં આવ્યાં છે.
ખંભાત નગરપાલિકાનું ભવન બનાવવા માટે પાલિકાના પ્રમુખ કામિનીબેન ગાંધી, સેનેટરી કમિટી ચેરમેન મનીષભાઈ ઉપાધ્યાય તેમજ કારોબારી ચેરમેન અશોકભાઇ કાછીયા દ્વારા ધારાસભ્ય મયુરભાઈ રાવલને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રી વિનુભાઈ મોરડીયા સમક્ષ ધારાસભ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ દ્વારા રજૂઆત મુકવામાં આવી હતી. આ રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 1.75 લાખના ખર્ચે નગરપાલિકાનું નવીન મકાન બનાવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે ગ્રાન્ટ રિલીઝ થતા કામ શરૂ કરવામાં આવશે.
આ અંગે પાલિકા પ્રમુખ કામીનીબેન ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં જે ભવન છે તેની પાછળના ભાગે પાલિકાની જગ્યામાં નગર સેવા સદન નિર્માણ પામશે. નગરપાલિકાની મુલાકાતે આવતા નાગરિકાને નવા ભવનમાં સુવિધા મળી રહે તેનું ધ્યાન રખાશે. ખંભાત નગરના નવીન મકાન માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રી વિનુભાઈ મોરડીયા ખંભાતની જનતા વતી આભાર માન્યો હતો.