અમદાવાદઃ શહેરના સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ તૂટી જતા હોવાથી રોડની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઊઠ્યા છે. રોડ બનાવવામાં ડામર અને મટિરિયલ્સનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાની પણ ફરિયાદો ઊઠી હતી. શહેરના સરદારનગરમાં મ્યુનિ. કમિશનરના રાઉન્ડ દરમિયાન હલકી ગુણવત્તાના રોડ પકડાતા આખરે કમિશનરે એક વિશેષ પરિપત્ર બહાર પાડી ઠરાવ્યું છે કે, શહેરમાં નવા બનતા રોડમાં વપરાતી સામગ્રીના નમૂના લઈ તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવાનો રહેશે તેમજ આ ટેસ્ટનું સર્ટિફિકેટ મ્યુનિ.ના સંબંધિત વિભાગને પણ અધિકારીઓએ મોકલવાનું રહેશે.
શહેરના મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસને બહાર પાડેલા પરિપત્રમાં એવી તાકિદ કરવામાં આવી હતી કે, રોડ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરે ડિઝાઈન કરવા અંગેની શરત મૂકવામાં આવી હોય અથવા ઈપીસી પ્રકારના ટેન્ડર તૈયાર કરવામાં આવ્યા હોય તો સ્ટ્રક્ચરલ ડિફેક્ટ લાયેબિલિટીનો સમય 10 વર્ષનો રાખવો પડશે. કમિશનરે આદેશ આપ્યો છે કે, કોન્ટ્રાક્ટર જે ક્વોલિટી એસ્યોરન્સ પ્લાનની ગાઈડલાઈન તૈયાર કરે તેને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂર કરાવવાની રહેશે. આ ઉપરાંત પીએમસીએ તૈયાર કરેલા માસિક પ્રગતિ અહેવાલમાં ફાઈનાન્સિયલ બીડમાં દર્શાવવામાં આવેલી સામગ્રીનો જથ્થો જે તે માસમાં થયેલી કામગીરીના જથ્થા સાથે મળતો આવે છે કે નહીં તેનો પણ અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ ઉપરાંત લેબમાં કરાવેલા કુલ ટેસ્ટની સંખ્યા પણ દર્શાવવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં છાશવારે તૂટતાં રોડની સમસ્યા હલ કરવા મ્યુનિ.એ બેંગલુરુની તર્જ પર વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા 17 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. ગુરુકુળ રોડ પર વ્હાઈટ ટોપિંગ રોડ બનવાની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિ.નો દાવો છે કે, આ રોડ 20થી 25 વર્ષ ટકી શકે છે. જો કે, ડામરના રોડ માંડ 3 થી 5 વર્ષ ટકે છે. બીજો ફાયદો એ છે કે, લાંબા આવરદા છતાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો ખર્ચ 1.3 ગણો વધુ છે. ગુરુકુળ ઉપરાંત ઈસનપુરમાં પણ આ પ્રકારે રોડ બનાવવાનું આયોજન છે. દિવાળીની રજાઓમાં કોન્ટ્રાક્ટરો તેમજ મજૂરો વતનમાં જતા રહેતાં રોડના કામો અટકી પડ્યા હતા. દિવાળી પર્વ પૂર્ણ થયાને સપ્તાહ વિતી ગયું હોવા છતાં પણ હજુ એકેય વિસ્તારમાં રોડના કામો ફરી શરૂ થયા નથી.