Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન પાસે ઈ-વેસ્ટનો નિકાલ કરવાની કોઈ નક્કર વ્યવસ્થા નથી

Social Share

અમદાવાદઃ માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ દેશના મહાનગરોમાં પણ ઈ-વેસ્ટના નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. ઈ-વેસ્ટ એટલે ઈલેક્ટ્રોનિક કચરો. જૂના થઈ ગયેલા અને બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ઇ-વેસ્ટ કહેવાય છે. સમગ્ર દેશમાં અમદાવાદ શહેર ઈ-વેસ્ટ ઉત્પન્ન કરવામાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે. ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો તેમાં રહેલા હાનિકારક તત્વો જેવા કે લેડ, મરક્યુરી, બ્રોમાઈટથી મગજ સંબંધિત, ફેફસાંનું કેન્સર, કિડની સંબંધિત અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વર્તમાનમાં ઈ-વેસ્ટને રિસાયકલ કરવાની વાત તો દૂર રહી, પરંતુ ઈ-વેસ્ટ એકત્ર કરવાની પણ કોઈ જ વ્યવસ્થા નથી.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચરો ભેગો કરીને સુકો અને ભીનો કચરો અલગ કરીને એના નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરંતુ ઈ-વેસ્ટના કચરા માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 1 એપ્રિલ 2023ના રોજ ઈ-વેસ્ટને એકત્ર કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેની સમયમર્યાદા 10 મે સુધી છે. હવે સવાલ એ છે કે મ્યુનિ.કોર્પોરેશન હાનિકારક અને જીવલેણ બીમારીઓ ફેલાવતા ઈ-વેસ્ટને એકત્ર અને તેના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કેવી રીતે અમલમાં લાવશે? ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અંગેનો કાયદો 2011માં બન્યો હતો. હવે કાયદા બન્યાના 11 વર્ષ બાદ પણ AMC પાસે હાલમાં તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2017માં AMC દ્વારા ખાનગી કંપની સાથે મળીને શહેરમાંથી ડોર ટુ ડોર વાન દ્વારા ઈ-વેસ્ટ એકત્ર કરી તેને રિસાયકલ કરવાની યોજના હાથ ધરવામાં આવી હતી. આ વ્યવસ્થા થકી મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ- વેસ્ટ, કલેક્શન વાનને સોંપવાની સુવિધા આપવામાં આવવાની હતી. પરંતુ તેનું કોઈ અમલીકરણ થઈ શક્યું નહોતું અને પ્રોજેક્ટ નિષ્ફળ નીવડ્યો હતો. 2017માં AMC જે કંપની સાથે જોડાણ કર્યુ હતું તેને પ્રોજેક્ટ શા માટે ચાલુ ના રાખ્યો તે જાણવા મળ્યું નથી.

મિનિસ્ટ્રી ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજીના રિપોર્ટ મુજબ અમદાવાદ ઈ-વેસ્ટ જનરેટ કરવામાં દેશમાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં ખૂબ જ ઓછી માત્રામાં ઈ-વેસ્ટ રિસાયકલ થાય છે. ઈ-વેસ્ટના યોગ્ય નિકાલની વ્યવસ્થા ના હોવાથી લોકો પોતાની રીતે જ ઈલેક્ટ્રોનિક વેસ્ટને ભંગારવાળાને વેચી દે છે અને તેઓ તેના ભાગોનું અલગીકરણ કરતા નથી. જેથી પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે.