અમદાવાદઃ શહેર નજીક નર્મદા કેનાલ પાસે કપલ ઉપર હુમલો કરીને યુવાનની હત્યા કરવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલા નાખીને 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ટોળકી નર્મદા કેનાલ પાસેથી પસાર થતા એકલ-દોકલ લોકોને અટકાવીને લૂંટ ચલાવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ 10 જેટલા ગંભીર ગુના આચર્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે તમામના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેમની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ નજીક નર્મદા કેનાલના કિનારે એક કપલ બેઠુ હતું. દરમિયાન અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં અજય પ્રવિણભાઇ સાગર નામના યુવાનનું મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા બનાવ સ્થળની આસપાસના વિસ્તારમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરાઈ હતી. જેમાં એક શંકાસ્પદ બાઈકનો નંબર મળી આવ્યો હતો. આ નંબરને ટ્રેક કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન પોલીસે વિપુલ નીલ વિષ્ણુભાઈ પરમાર ( રહે. અમદાવાદ), કિરણ આતાજી ઠાકોર (ઉ.વ.28) અને દીપક કલાજી ઠાકોર (બંને રહે, દહેગામ)ને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં કપલ ઉપર હુમલો કરીને યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. એટલું જ નહીં વિપુલ અને તેના સાગરિતો નર્મદા કેનાલ પાસે એકાંતમાં બેસતા કપલોને છરી બતાવીને ચૂંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસ સહિત 10 જેટલા ગુના આચર્યા હોવાનું ખૂલ્યું હતું.