અમદાવાદઃ આઈપીએલની અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈન્ટસ’ના નામથી ઓળખવામાં આવશે. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર ઉપર આ માહિતી આપી હતી. હાર્દિક પંડ્યા આ ટીમની કેપ્ટનશીપ કરશે. આ ઉપરાંત ટીમમાં અફઘાનીસ્તાનના સ્પિનર રાશિદ ખાન અને ભારતીય ઓપનર શુભમન ગીલને પણ સામેલ કર્યાં છે. આઈપીએલની આગમી સિઝનમાં દસ ટીમ વચ્ચે સ્ટેડિયમમાં ટક્કર જામશે.
આઈપીએલમાં અત્યાર સુધી આઠ ટીમ વચ્ચે ટક્કર થતી હતી. જો કે, આ વખતે વધુ બે ટીમ હૈદરાબાદ અને અમદાવાદનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ હવે આઈપીએસમાં 10 ટીમ રમતી જોવા મળશે. બીસીસીઆઈએ આઈપીએલ માટે નવી બે ટીમની જાહેરાત ગત 25મી ઓક્ટોબરના રોજ કરી હતી. લખનૌને આરપીએસજી વેન્ચર્સ લીમીટેડએ રૂ. 7080 કરોડમાં અને અમદાવાદને સીવીસી કેપિટલે રૂ. 5625 કરોડમાં ખરીદી હતી. લખનૌએ ગયા મહિને જ પોતાની ટીમનું નામ જાહેર કર્યું છે.
લખનૌની ટીમ લખનૌ સુપર જાઈન્ટસના નામથી ઓળખાશે. લખનૌ ફ્રેન્ચાઈઝીના માલિક આરપીએસજી વેન્ચર્સ લીમીટેડના ચેયરમેન ડો. સંજીવ ગોયનકાએ વીડિયો મેસેજ મારફતે આ જાહેરાત કરી હતી. લખનૌ ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન કેએલ રાહુલને બનાવવામાં આવ્યો છે. તેમણે ફ્રેન્ચાઈઝીએ રૂ. 17 કરોડમાં સાઈન કર્યાં છે. લખનૌએ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને 9.2 કરોડ અને ભારતના લેગ સ્પિનર રવિ બિશ્નોઈને રૂ. 4 કરોડમાં સાઈન કર્યો છે. બીજી તરફ અમદાવાદની ટીમે હાર્દિક અને રાશિદ ખાનને રૂ. 15-15 કરોડમાં અને શુભમન ગિલને રૂ. 8 કરોડમાં સાઈન કર્યો છે.