ગુજરાત યુનિવર્સિટીના નવા કૂલપતિનું નામ 30મી જાન્યુઆરી પહેલા જાહેર કરી દેવાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. હિમાશું પંડ્યાની ટર્મ આગામી જૂન મહિનામાં જ પૂર્ણ થવાની છે ત્યારે નવા કુલપતિની નિમણુક માટે સર્ચ કમિટીની રચના કરી દેવામાં આવી છે. જેમાં ત્રણ સભ્યો પૈકી એક સભ્ય તરીકે જૂનાગઢ યુનિવર્સીટીનાં કુલપતિ ચેતન ત્રિવેદીનો સમાવેશ કરાયો છે. જ્યારે અન્ય બે સભ્યોની નિમણુક માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી 12 એપ્રિલે જોઈન્ટ બોર્ડ ઓફ વાઇસ ચાન્સેલરની મીટિંગ મળશે, જેમાં વધુ એક સભ્યનું નામ જાહેર કરવામાં આવશે ત્યારબાદ રાજ્યપાલ દ્વારા એક સભ્યનું નામ આપવામાં આવશે. અને એકાદ મહિનામાં કૂલપતિના નામોની પેનલ બનાવીને સરકારને મોકલી અપાશે. ત્યાર બાદ 30મી જુન પહેલા યુનિ.ના કૂલપતિના નામની વિધિવત જાહેરાત કરવામાં આવશે.એટલે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ નવા કુલપતિ કાર્યભાર સંભાળી લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિ ડો.હિંમાશુ પંડ્યાની આ બીજી ટર્મ છે. અને તેની મુદત તા.30મી જુનના રોજ પુરી થઈ રહી છે. નિયમ મુજબ 3 મહિના અગાઉથી નવા કુલપતિની નિમણુક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. નવા કુલપતિ માટે એક સર્ચ કમિટી બનાવવાની હોય છે. આ સર્ચ કમિટી 3 સભ્યોની હોય છે. તે 3 સભ્યો પૈકી એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝેક્યુટિવ કાઉન્સિલ તરફથી એક નામ, જોઈન્ટ બોર્ડ ઓફ વાઇસ ચાન્સેલર તરફથી એક નામ અને રાજ્યપાલ તરફથી એક નામ આપવામાં આવે છે. જે 3 નામ સર્ચ કમિટી દ્વારા કુલપતિ માટે સરકારને આપવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા એક નામ પર મહોર લગાવવામાં આવશે. આમ, આ રીતે કુલપતિની નિમણુક કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિ.ના કુલપતિ માટેની સર્ચ કમિટીમાં સભ્ય તરીકે યુનિ.ની એકેડેમિક અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા જૂનાગઢ યુનિવર્સિટીનાં કુલપતિ ચેતન ત્રિવેદીનું નામ આપવામાં આવ્યું છે. હવે 12 એપ્રિલે જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલરની મીટિંગ મળશે. આ મીટિંગમાં તમામ યુનિવર્સિટીના કુલપતિ હાજર રહેશે જેમના દ્વારા સર્ચ કમિટીના સભ્યનું નામ આપવામાં આવશે. 2 નામ જાહેર થયા બાદ એક નામ રાજ્યપાલ તરફથી આપવામાં આવશે ત્યારબાદ નવા કુલપતિની નિમણુક પ્રક્રિયા ચાલુ થશે.