આપણા ગુજરાતમાં દિકરીના પતિને જમાઈ કહેવામાં આવે છે, હિન્દીભાષી લોકો ‘દામાદ’ કહે છે, અંગ્રેજીમાં લોકો ‘સન-ઈન-લો’ કહેતા હોય છે, એટલે કે દરેક ધર્મમાં, દરેક જગ્યા પર દિકરીના પતિનું સન્માન થતું હોય છે અને તે આપણી હજારો વર્ષ જુની પરંપરા પણ છે તેમ કહી શકાય, પણ આવામાં તે વાત જાણીને લોકો ચોંકી જશે કે ઉત્તરપ્રદેશમાં એક ગામ એવું પણ છે કે જે જમાઈઓથી ભરેલુ છે અને ગામનું નામ પણ દામાદનપુરવા છે.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં આવેલા આ ગામમાં લગભગ 500 જેટલા લોકો રહે છે. તેમાં લગભગ 70 ઘરો છે. અને તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં 70માંથી 40 ઘરો ગામના જમાઈઓના છે. આ પરંપરા લગભગ 40-50 વર્ષ પહેલા શરુ થઈ હતી. ત્યાના વડીલોના કહેવા પ્રમાણે વર્ષ 1970માં આ ગામમાં રાજરાની નામની કન્યાના લગ્ન થયા બાદ તેના પતિ સાંવેર કઠેરિયા તેના સાસરીયામાં જ રહેવા લાગ્યા હતા.
સાંવરે કઠેરિયા પાસે જ્યારે રહેવા માટે જમીન ઓછી પડી ત્યારે ગામ પાસેની એક જમીન તેને આપી દેવામાં આવી. તે ત્યા જ તેની પત્ની સાથે ઘરજમાઈ બનીને રહેવા લાગ્યો. રાજરાનીના પતિ સાંવરે કઠેરિયા પછી અનેક કન્યાઓના લગ્ન બાદ જમાઈઓ આ ગામમાં જ જમીન લઈને રહેવા લાગ્યા. અહીંના સૌથી ઉંમરવાળા ઘર જમાઈની ઉંમર 78 વર્ષ છે.