Site icon Revoi.in

ઉ.પ્રદેશ, ગોવા અને મણિપુરમાં ભાજપના CMના નામ લગભગ નક્કી, ઉત્તરાખંડમાં અસમંજસ ભરી સ્થિતિ

Social Share

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઉત્તરપ્રદેશ, ગોવા અને મણિપુરમાં મુખ્યમંત્રી કોણ બનશે તે લગભગ નક્કી છે પરંતુ ઉત્તરાખંડમાં સીએમ ધામીનો પરાજય થયો છે. જેથી હવે ઉત્તરાખંડની જવાબદારી કોને સોંપવામાં આવે છે તેને લઈને અસમંજસ ભરેલી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારેય રાજ્યોમાં સરકાર બનાવવાને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં ભાજપનો 250થી વધારે બેઠકો ઉપર વિજય થયો છે. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીમાં ભાજપાએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. તેમજ પ્રચારમાં પણ કેન્દ્ર સરકાર અને યોગી સરકારની યોજના જનતા સુધી પહોંચાડી હતી. આગામી દિવસોમાં ભાજપ સરકાર બનાવવા માટે રાજ્યપાલને રજૂઆત કરશે. તેમજ નવી સરકારમાં પણ યોગી જ મુખ્યમંત્રી બને તેવી શકયતા છે. તેમજ યોગી દિલ્હીમાં ભાજપના હાઈકમાન્ડને મળવા જશે.

મણિપુરમાં જ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જેથી આ વખતે ભાજપ પોતાની તાકાત ઉપર સરકાર બનાવશે. 60 બેઠકો પૈકી 32 સીટ ઉપર ભાજપનો વિજય થયો છે. સીમે બીરેનસિંહનું પ્રદર્શન અત્યાર સુધી સારુ રહ્યું છે. જેથી એવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે કે, તેમને ફરીથી મણિપુરની કમાન સોંપવામાં આવી શકે છે. ગોવામાં પણ 40 બેઠકો પૈકી 21 ઉપર ભાજપનો વિજય થયો છે અને અપક્ષ ધારાસભ્યોએ સમર્થન જાહેર કર્યું છે. પ્રજાએ સીએમ પ્રમોદ સાવંતના કામને ધ્યાનમાં રાખીને ફરીથી ભાજપની પસંદગી કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી ભાજય હાઈકમાન્ડ પ્રમોદ સાવંતને ફરીથી ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપે તેવી શકયતા છે.

હાલ ભાજપ માટે સૌથી મોટી મુશ્કેલી ઉત્તરાખંડમાં સીએમની પસંદગીને લઈને હોવાનું મનાઈ રહ્યું છે. વર્તમાન સીએમ ધામીનો ચૂંટણીમાં પરાજય થયો છે. ગોવાથી 70 બેઠકો પૈકી 47 ઉપર ભાજપનો વિજય થયો છે. જેથી હવે ઉત્તરાખંડમાં સીએમની જવાબદારી કોને સોંપવી તેને લઈને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ મંથન શરૂ કર્યું છે. આગામી દિવસોમાં ઉત્તરાખંડના સીએમના નામની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. સીએમની રેસમાં ધન સિંહ રાવત, સતપાલ મહારાજ અને ત્રિવેંદ્ર સિંહ રાવતના નામ સૌથી આગળ છે. જ્યારે મસૂરીના ધારાસભ્ય ગણેશ જોશીએ પણ દાવેદારી નોંધાવી છે. હવે જોવાનું એ રહે છે કે, ભાજપ કોની ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. બીજી તરફ પુષ્કર સિંહ ધામી માટે ચંપાવતના ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ પોતાની બેઠક છોડવાની ઓફર કરી છે.