બીલીમોરાઃ અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી બાપુ કી ટ્રેન હવે નવા રંગરૂપમાં અને નવી સુવિધાઓ સાથે આવતીકાલ તા. 4થી સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં રેલવે વિભાગે AC કોચની સુવિધા ઉપલબ્ધ કરાવતા આદિવાસી વિસ્તાર સહિત ઉનાઇ મંદિરે જવા માંગતા પ્રવાસીઓને એક નવો અનુભવ અને રોમાંચ સાથે સફરનો આનંદ મળશે . બીલીમોરા વઘઈ વચ્ચે દોડનારી નેરોગેજ ટ્રેનમાં AC વિસ્ટાડોમ કોચ નાખવામાં આવ્યાં છે. જેમાં મોટી કાચની બારીઓ લગાવવામાં આવી છે.જેથી પ્રવાસીઓ કુદરતી નજારો જોઈ શકે. સાથે જ એર સસ્પેન્શન હોવાથી પ્રવાસ દરમિયાન ઝટકા લાગશે નહિ અને ટ્રેન સ્મૂધ ચાલતી હોય તેવું ફિલ થશે. આવા પ્રકારના કોચ બનાવવાની શરૂઆત ઇન્ડિયન રેલવે દ્વારા કરવામાં આવી છે. જેમાં ભારતમાં અત્યાર સુધી 41 જેટલા કોચ નેરોગેજ ટ્રેનમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યાં છે. આ કોચ રૂફ ઉપર પણ ગ્લાસ લગાવવામાં આવ્યા છે.જેમાંથી આકાશી નજારો પણ જોઈ શકાય છે.
બાપુ કી ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેર સાથે જોડે છે, ત્યારે છેલ્લા અનેક સમયથી બંધ પડેલી નેરોગેજ ટ્રેન આવતી કાલે શનિવારથી દોઢ વર્ષબાદ ફરી શરૂ થવા જઈ રહી છે. આશરે દોઢ વર્ષ પહેલાં વેસ્ટર્ન રેલવે દ્વારા આર્થિક રીતે ખોટ કરતી હોવાનું કારણ આગળ ધરીને ટ્રેનને બંધ કરી હતી, ત્યારે આદિવાસી સમાજ અને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થયેલા ધરણા પ્રદર્શન અને લોકમાંગને જોતા રેલવે વિભાગે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પણ આર્થિક ખોટને સરભર કરવા માટે રેલવે ભાડામાં વધારો કર્યો છે. જેમાં પહેલા સાદી ટિકિટ 15 રૂપિયા હતી જે વધીને હવે 40 રૂપિયા કરાઈ છે અને એસી કોચનું ભાડું 560 રૂપિયા નક્કી કરાયું છે. ત્યારે ગરીબ આદિવાસીઓને આ ભાડું પરવડે છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે.