અમદાવાદઃ ગુજરાતભરમાં નવલી નવરાત્રિનો પ્રારંભ રંગેચંગે થયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ 2022 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ યોજાયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં માઁ આદ્યશકિતની થીમ પર ગરબા યોજવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા આરતી કરી અને નવરાત્રિ મહોત્સવને ખૂલ્લો મુકવામા આવ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યના મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સૌપ્રથમ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વિવિધ ટીમ અને રેપ્લિકા મૂકવામાં આવી છે તે નિહાળી હતી. મુખ્યમંત્રી દ્વારા થીમ પેવેલિયન સહિત પ્રતિકૃતી નિહાળી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ નવરાત્રી પર્વ નિમિત્તે રાજ્યની જનતાને અભિનંદન પાઠવું છે. બે વર્ષ કોરોના બાદ ગરબે ઘુમવા મળ્યું છે એટલે લોકોમાં વિશિષ્ટ ઉત્સાહ છે. આ નવરાત્રિમાં રાજય કક્ષાની ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરાયુ છે. ઉત્સવોમાં શિરોમણી નવરાત્રિ છે. નવરાત્રિ આપણામાં જોશ અને જોમ ભરે છે.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નોરતાં નવ દિવસે ખેલૈયાઓ ને ગરબા ઘૂમવા મળશે. GMDC ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ માટે ગ્રીન કાર્પેટ પાથરવામાં આવી છે. ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને થીમ પેવેલિયન, ક્રાફ્ટ બજાર આનંદ નગરી બાળનગરી ફુડ સ્ટોલ ગ્રાઉન્ડ પર ઊભા કરાયા છે. આ સિવાય થીમ બેઝેડ ગેટ્સ બનાવવામાં આવ્યા છે જેમાં નડાબેટ, દાંડિયા ગેટ, દિયા અને ગરબી થીમ જોવા મળશે. આ સિવાય અટલ બ્રીજ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ચબુતરા, ગાર્ડન, વર્લ્ડ હેરિટેજ, સ્વામિનારાયણ મંદિર, આર્ટ વોલ, આઝાદી કા અમૃત મહોત્સવની રેપ્લિકા પણ ગ્રાઉન્ડ પર મૂકવામાં આવ્યા છે.
ગુજરાતના 300 કલાકારો સોમવારે દિવસે એટલે કે પહેલા નોરતે સ્ટેજ ઉપર આદ્યશક્તિ આરાધારી થીમ ઉપર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. પહેલા દિવસે આદ્યશકિત આરાધના થીમ પર ગરબાનું આયોજન છે. બીજા દિવસે શ્યામલ સૌમિલ મુન્શી. ત્રીજા દિવસે સમીર માના રાવલ. ચોથા દિવસે દેવાંગ પટેલ અને દેવિકા રબારી, પાંચમા દિવસે હિરલ બ્રહ્મભટ્ટ અને પાયલ વખારિયા, છઠ્ઠા દિવસે અમિત ઠક્કર અને દીપ્તિ દેસાઈ-દર્શના ગાંધી ઠક્કર, સાતમના દિવસે બ્રિજરાજ ગઢવી અને મિતાલી નાગ, આઠમના દિવસે જયકાર ભોજક અને પાયલ શાહ તેમજ નોમના દિવસે પ્રિયંકા બાસુ હિમાલી વ્યાસ ધૂમ મચાવશે.