અમદાવાદઃ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી ધ્વારા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) મિશન મંગલમ યોજના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અગામી નવરાત્રી પર્વને અનુલક્ષી મહીસાગર જિલ્લા કક્ષાનો નવરાત્રી મેળો–તારીખ 9 ઓક્ટોબર 2023 થી 14 ઓક્ટોબર 2023 સુધી આયોજન કરવામાં આવ્યું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આયોજિત નવરાત્રી મેળાનું જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભલવેન્દ્રભાઈ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પી.એ.ચૌહાણના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતીમાં ઉદ્દઘાટન કરવામા આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ નવરાત્રી મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે.
સરકાર અને જી.એલ.પી.સી ધ્વારા રાજયમાં મહિલાઓના સશકિતકરણ અને ગ્રામીણ આજીવિકા મિશન હેઠળના સ્વસહાય જુથોને કૌશલ્ય તાલીમ મેળવેલા બહેનો ધ્વારા આજીવિકા મેળવવાના અર્થે નવરાત્રી પર્વને અનુલક્ષી નવરાત્રી મેળો – 2023 યોજવાનું નક્કી કરવામાં આવ્યું જે અન્વયે લુણાવાડા ખાતે નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવેલ છે અને છ તાલુકાની સ્વ સહાય જુથની બહેનો ધ્વારા નવરાત્રી પર્વને અનુલક્ષી વસ્ત્રો, સ્ત્રી શૃંગાર સુશોભનની ચીજવસ્તુઓ નું વધું વેચાણ થાય તે માટે જીલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આહવાન કર્યું છે. આ કાર્યકમમાં સ્વસહાય જુથની બહેનો, ટીએલએમ, મિશન મંગલમનો સ્ટાફ ઉપસ્થીત રહયો હતો.