Site icon Revoi.in

NEET-PGની એક્ઝામ પૂર્ણ, ગુજરાતમાં બે હજાર બેઠકો માટે 7000 જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં આજે રવિવારે એમબીબીએસ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે NEET – PGની પરીક્ષા લેવામાં આવી હતી. એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે નેશનલ એન્ટરન્સ એક્ઝામિનેશન ટેસ્ટ લેવામાં આવે છે. વર્ષ 2023ની NEET – PG માટે દેશભરમાંથી બે લાખ 9 હજારથી વધારે એમબીબીએસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતમાં લગભગ 2000 જેટલી બેઠકો માટે 7000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

દેશમાં નેટ-પીજીની પરીક્ષા દેશભરના કેન્દ્રો પર આજે સવારે 9:00 વાગ્યાથી બપોરના 12:30  દરમિયાન લેવામાં આવી હતી. ગુજરાતમાં અંદાજે 7000થી વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.ગુજરાતમાં કુલ 36 મેડિકલ કોલેજ પૈકી 18 મેડિકલ કોલેજમાં નીટ પીજીનો અભ્યાસક્રમ ચાલે છે. જેની 2000 જેટલી બેઠકો માટે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવી હતી. જેમાં ત્રણ કલાકના સમયગાળા દરમિયાન MCQ પ્રકારના 800 ગુણના 200 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નીટ પીજી પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ઇન્ટર્નશીપ મોડી પૂર્ણ થવા જઈ રહી હતી, જેથી તેઓ પરીક્ષામાં દાવેદારી કરવાને પાત્ર ન હતા. આવા વિદ્યાર્થીઓએ પરીક્ષા મોકૂફ રાખવાની માગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે અરજદારોની અરજી ફગાવી દીધી હતી અને 5 માર્ચે નિશ્ચિત કરાયેલી તારીખ પ્રમાણે જ પરીક્ષા લેવાનો હુકમ કર્યો હતો. એટલે આજે 5મીને રવિવારે NEET PG 2023 ની પરીક્ષા લેવામાં આવી હતી. દેશભરમાંથી 2 લાખ વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યમાંથી  7000 થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. પરીક્ષા કેન્દ્રો પર પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સીટ નંબર કન્ફર્મ કરતા જોવા મળ્યા હતા.(file photo)