Site icon Revoi.in

અમદાવાદના નહેરૂબ્રિજ ઉપર દોઢ મહિનો વાહન વ્યવહાર બંધ રહેશે, રિપેરિંગ કામ કરાશે

Social Share

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદની મધ્યમાંથી સાબરમતી નદી પસાર થાય છે જેથી શહેર પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એમ બે ભાગમાં વહેંચાયેલું છે. આ બંને વિસ્તારોને જોડવા માટે સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવેલા છે. સાબરમતી નદી ઉપર વર્ષ 1962માં બનાવવામાં આવેલા નહેરૂબ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવશે. તા. 13મી માર્ચથી 30 એપ્રિલ સુધી બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાબમરતી નદી ઉપર વર્ષ 1962માં નહેરુબ્રિજ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ ઉપર કેટલીક જગ્યાએ તિરાડ પડી છે. તેમજ બ્રિજ ઉપરની તીરાડોથી પિલરના બેરિંગ પણ ત્રાંસાં થઈ ગયાં હોવાનું જાણવા મળે છે. જેથી તેનું રિપેરીંગ જરૂરી હોવાથી ભોપાલની એક કંપનીને રિપેરીંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જૂનાં બેરિંગ કાઢીને નવાં લગાડાશે તેમજ ૧૨ જેટલા નહેરુબ્રિજ ઉપરના જોઇન્ટ એક્સ્પાન્શનનું રિપેરિંગ પણ હાથ ધરાશે. અગાઉ સુભાષબ્રિજનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. સુભાષબ્રિજ કરતા નહેરુબ્રિજનું કામ પડકારજનક હોવાનું મનપાના અધિકારીઓ માની રહ્યાં છે. નહેરુબ્રિજના રિપેરિંગ બાદ ઈજનેર વિભાગ દ્વારા ગાંધીબ્રિજને રિપેર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલા સુભાષબ્રિજનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. દિવાળી બાદ રિપેરિંગ માટે સુભાષબ્રિજને 20 દિવસ માટે પૂર્ણપણે બંધ રખાયો હતો. હવે નહેરુબ્રિજનું સમારકામ કરવામાં આવશે. જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ડાઈવર્ઝન આપવામાં આવશે. નહેરુબ્રિજને નીચેથી હાઈડ્રોલિક જેકની મદદથી ઊંચો કરાશે અને તેનાં 180 બેરિંગને બદલાશે.