Site icon Revoi.in

એનઆઇએમસીજેની નવી બેચને સિનિયર વિદ્યાર્થીઓએ અનોખી રીતે આવકારી

Social Share

અમદાવાદ: સામાન્ય રીતે કોલેજમાં પ્રથમ દિવસે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે યોજાતા સ્વાગત સમારોહમાં મહાનુભાવોના વક્તવ્ય થતા હોય છે.પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ (એનઆઇએમસીજે) માં સિનિયર વિદ્યાર્થીઓએ બીએજેએમસી અને  એમએજેએમસીમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓને અનોખા ઉત્સાહથી,નવા અભિગમ સાથે આવકાર્યા હતા.

આગામી વર્ષોમાં આ વિદ્યાર્થીઓ મીડિયાના જે મહત્વના પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, માર્કેટિંગ કમ્યુનિકેશન, ડિજિટલ અને રિસર્ચ જેવા    વિભાગોનો અભ્યાસ કરશે તેને ધ્યાનમાં રાખીને સિનિયર વિદ્યાર્થીઓએ ન્યુઝ બુલેટિન, ક્રિએટિવ એડ, ન્યૂઝ પેપર, મીડિયા આધારિત ક્વિઝ અને ટેગ લાઈન ઓળખો જેવા સંવાદાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને નવા વિદ્યાર્થીઓને આનંદભેર આવકાર્યા હતા.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ જૈને સંસ્થાના ૧૭ વર્ષની શૈક્ષણિક યાત્રાની વિગતો આપતા ગુણવત્તાયુક્ત મીડિયા શિક્ષણની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે આગામી વર્ષે સંસ્થાના નવા,અત્યાધુનિક ટ્રાન્ઝિટ કેમ્પસમાં શિક્ષણ આગળ ધપાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

સંસ્થાની પૂર્વ વિદ્યાર્થીની અને ન્યુઝ સ્ટાર્ટઅપ “જમાવટ” ના તંત્રી દેવાંશી જોશીએ અભ્યાસકાળના અનુભવો વાગોળ્યા હતા અને પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધવા જરૂરી ગુણવત્તાઓને શિક્ષણ દરમિયાન જ પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો હતો. માસ મીડિયાના ક્ષેત્રમાં આવીને સકારાત્મક, પરિવર્તનલક્ષી ભૂમિકા ભજવવા તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના નિયામક ડો. શિરીષ કાશીકરે સૌને આવકાર્યા હતા. વિદ્યાર્થીઓનું કાર્યક્રમના પ્રારંભે તિલક કરી,મીઠાઈ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ વર્ષને પ્રવેશ મેળવનારાઓમાં ૭૦% વિદ્યાર્થીનીઓ અને ૩૦ % વિદ્યાર્થીઓ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરીમા ગુણાવત, વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનું સુંદર સંચાલન વિદ્યાર્થીની ફેનિલ ખંડેરીયાએ કર્યું હતું.