Site icon Revoi.in

અમદાવાદમાં RTO કચેરીનું નવુ બિલ્ડિંગ તૈયાર ન થતા હજુ બે મહિના રાહ જોવી પડશે

Social Share

અમદાવાદઃ શહેરમાં સુભાષબ્રિજ વિસ્તારમાં આરટીઓ કચેરીના બિલ્ડિંગના નિર્માણનું કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે. કામ પૂર્ણ થાય તો આવતા મહિને યાને નવેમ્બરમાં આરટીઓની નવી કચેરીનું લોકાર્પણ કરવાનું હતું પરંતુ નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ થયા એવી શક્યતા નથી. નવું બિલ્ડિંગ તો બની ગયુ છે. પણ નવા બિલ્ડિંગમાં ફર્નિચરનું કામ બાકી છે. આથી નવી કચેરી માટે હજુ બે મહિના રાહ જોવી પડશે, બીજીબાજુ આરટીઓની કચેરી હાલ ભાડાના મકાનમાં ચાલી રહી છે. એટલે આરટીઓના સત્તાધિશોને રેન્ટ એગ્રીમેન્ટમાં વધારો કરવાની ફરજ પડશે.

મેગાસિટી ગણાતા અમદાવાદ શહેર અને જિલ્લામાં આરટીઓની ત્રણ  કચેરી કાર્યરત છે. જેમાં અમદાવાદ RTO, વસ્ત્રાલ RTO અને બાવળા RTOનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષથી શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાં RTO કચેરી માટે નવુ બિલ્ડીંગ તૈયાર થઈ રહી છે. જોકે, વર્ષ 2024ના નવેમ્બર માસના અંત સુધીમાં અમદાવાદ RTOનું સમગ્ર કામકાજ નવી બિલ્ડીંગમાં શિફ્ટ કરવાની યોજના હતી પરંતુ, હજુ સુધી નવી બિલ્ડીંગનું કામકાજ બાકી હોવાથી હાલમાં જે બિલ્ડિંગમાં RTOનું કામકાજ ચાલી રહ્યું છે, તેની મુદતમાં એટલે કે રેન્ટ એગ્રીમેન્ટમાં વધારો કરાશે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ આરટીઓ કચેરીના નવા બિલ્ડીંગનું કામકાજ જે કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે તે કંપનીએ 30 નવેમ્બર, 2024ના રોજ સમગ્ર બિલ્ડીંગ RTOને સોંપી દેવામાં આવશે એવી અગાઉ જાહેરાત કરી હતી. પરંતુ, હવે બિલ્ડીંગનું બાંધકામ તૈયાર છે. પરંતુ નવા બિલ્ડિંગમાં ફર્નિચર સહિતની તમામ સુવિધામાં હજુ પણ ત્રણ મહિના કરતાં વધુ સમય લાગી શકે છે, જેને કારણે હજુ પણ ડિસેમ્બરના અંત સુધી ભાડાની ઓફિસમાં જ RTOનું કામકાજ ચાલતું રહેશે એટલે કે RTO કચેરીનું જે લોકોને કામકાજ હશે તેઓએ હજુ પણ જૂની બિલ્ડીંગમાં જ ધક્કા ખાવા પડશે. હાલમાં ભાડાની જે ઓફિસમાં RTOનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં પૂરતી સુવિધાઓ ન હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે. ભાડાની જગ્યા હોવાથી ત્યાં વધુ ફેરફાર કરવો પણ શક્ય નથી. જેને કારણે હવે ઝડપથી નવી બિલ્ડીંગ RTO કચેરીને સોંપી દેવામાં આવે એવી આશા કચેરીના કર્મચારીઓ સેવી રહ્યા છે.

અમદાવાદ આરટીઓ કચેરીમાં હાલમાં વર્ષો જૂના ટેસ્ટ ટ્રેક ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે, જેની સ્થિતિ ચોમાસા દરમિયાન ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે કારણ કે, હાલમાં જે ટેસ્ટ ટ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે તેની ડિઝાઇન કંઈક એ પ્રકારની છે કે, એક ઇંચ પણ વરસાદમાં ત્યાં પાણી ભરાઈ જાય છે અને એકથી બે દિવસ માટે સમગ્ર ટેસ્ટ લેવાની પ્રક્રિયા થંભી જાય છે પરંતુ,આરટીઓ કચેરી દ્વારા તેમાં સુધારો કરવામાં આવી રહ્યો નથી કારણ કે, જે નવી બિલ્ડીંગ બની રહી છે ત્યાં જ નવું ટેસ્ટ ટ્રેક પણ આરટીઓ  કચેરી દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટ ટ્રેક નવેમ્બર, 2024ના અંત સુધીમાં તૈયાર થઈ જવાનું હતું પરંતુ હજુ તે ટ્રેક બનવાની શરૂઆત જ નથી થઈ એટલે કે અરજદારને હજુ પણ વર્ષ 2024ના અંત સુધીમાં જુના ટેસ્ટ ટ્રેકનો જ ઉપયોગ કરીને ત્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે.