નવી દિલ્હીઃ ભારતના નવા ચૂંટણી કમિશનર (EC) તરીકેનો ચાર્જ અરુણ ગોયલે સંભાળ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, જેઓ હાલમાં નેપાળમાં તેમની ચાલી રહેલી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે છે, તેમણે વ્યક્તિગત રીતે અરુણ ગોયલને તેમની નિમણૂંક પર ફોન કરીને અભિનંદન આપ્યા હતા. રાજીવ કુમારે જણાવ્યું હતું કે અરુણ ગોયલનો વિશાળ અને વૈવિધ્યસભર વહીવટી અનુભવ ચૂંટણી પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ, સુલભ અને સહભાગી બનાવવા માટે કમિશનના પ્રયાસોને વધુ મજબૂત કરશે.
પંજબ કેડરના 1985 બેચના આઈએએસ અરુણ ગોયલ ચર્ચિલ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઈંગ્લેન્ડમાંથી ડિસ્ટિંકશન સાથે વિકાસ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક કર્યું છે. ભારે ઉદ્યોગ મંત્રાલયમાં તેઓ વર્ષ 2020થી સચિવ તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેઓ સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ, શ્રમ અને રોજગાર મંત્રાલયમાં એએસએન્ડએફએ, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીમાં વાઈસ ચેરમેન, નાણા મંત્રાલયમાં સંયુક્ત સચિવ, શહેરી વિકાસ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી ચુકેલા છે. તેઓ પંજાબ સરકારમાં કાર્યરત હતા. તેમણે પંજાબમાં પાવર અને સિંચાઈ વિભાગ, આવાસ અને શહેરી વિકાસ, ખર્ચ વિભાગ અને પંજાબ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટમાં ફરજ બજાવી છે.