રાજકોટઃ શહેરથી 30 કિમી દુર અમદાવાદ જતાં હાઈવે નજીક હીરાસર ગામ પાસે નવુ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા બાદ હવે આગામી તા. 10મીથી એરપોર્ટ પર ફ્લાઈટ્સનું નિયમિત ઉડાન ભરાશે. હાલ શહેરની મધ્યમાં આવેલુ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. અને તમામ સ્ટાફને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્શળાંતર કરી દેવામાં આવ્યો છે. 10મીથી તમામ વિમાનોની આવન-જાવન નવા એરપોર્ટ પરથી થશે.
રાજકોટના સીમાડે આવેલું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તા.10મીને રવિવારથી પ્રવાસીઓથી ધમધમતુ થઈ જશે. તા. 9 સપ્ટેમ્બરથી રાજકોટ શહેરની મધ્યમાં આવેલુ જુનુ એરપોર્ટ બંધ થશે. 10 સપ્ટેમ્બરથી રાજકોટ ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ થશે. તમામ ફ્લાઈટનું ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલન થશે. રાજકોટથી નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ 30 કિ.મી દૂર આવેલું છે. જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટીંગ માટે માગ ઊઠી છે. વેપારી મહા મંડળે પણ રજુઆત કરી છે. ખાનગી ટેક્સી ઓપરેટરોએ નવા એરપોર્ટથી શહેર સુધીના ટેક્સીના 2000 રૂપિયાનું ભાડું લેવાનું નક્કી કર્યું છે. એટલે એકલ-દોકલ આવતા પ્રવાસીઓને મોંઘુ પડશે. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટિગ સેવા શરૂ કરવી જરૂરી છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 10મી સપ્ટેમ્બરથી કાર્યરત થઈ જશે. તેના માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થોડા દિવસ પહેલા જ આ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લું મુકવામાં આવ્યું હતું, અને હવે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ 10 સપ્ટેમ્બરથી શરૂ થાય તે અંગે જાહેર નૉટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથૉરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર નૉટિસ બહાર પાડવામાં આવી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.