નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું સામાન્ય પરિવાર, ગરીબ, ખેડૂત, વિદ્યાર્થી, યુવાઓ અને દરેક વર્ગને સમાવી લેતુ હોવાનું ભાજપના નેતાઓ અને કેન્દ્રીયમંત્રીએ જણાવીને આવકાર્યું છે. દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓએ આવકાર્યું હતું. કોંગ્રેસના સિનિયર નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે, બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહીશ, પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નહોતો. મજૂરો માટે સરકાર શું કરવા જઈ રહી છે? બેરોજગારી અને મોંઘવારીનો કોઈ ઉલ્લેખ નહોતો.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, બજેટનો મોટો હિસ્સો રાષ્ટ્રપતિના સંબોધન અને આર્થિક સર્વે રિપોર્ટનું પુનરાવર્તન છે. ટેક્સમાં કોઈપણ પ્રકારનો ઘટાડો આવકાર્ય છે. લોકોના હાથમાં પૈસા મૂકવું એ અર્થતંત્રને વેગ આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, બજેટમાં મધ્યમ વર્ગને મદદ કરવામાં આવી છે, દરેકને કંઈક ને કંઈક આપવામાં આવ્યું છે. અમે દોઢ કલાક બજેટ સાંભળ્યું, હવે તક આવશે ત્યારે વાત કરીશું.
આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે, મેં નાણામંત્રીને ઘણી વખત કહ્યું છે કે જ્યારે પણ બજેટ બનાવવામાં આવે ત્યારે કલમ 39 નો સંદર્ભ લો. આંખ બંધ કરીને બંધારણના વખાણ કરતું બજેટ બનાવશો તો કંઈ પ્રાપ્ત થશે નહીં. તમે રોજગાર માટે ગોળ ગોળ વાત કરી. આ બજેટ ખાસ લોકો દ્વારા ખાસ લોકો માટે તૈયાર કરવામાં આવેલ ખાસ બજેટ છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, આ બજેટ દેશની વાસ્તવિક લાગણીને સંબોધતું નથી જે મોંઘવારી અને બેરોજગારી છે. તેમાં માત્ર ફેન્સી ઘોષણાઓ હતી જે પહેલા કરવામાં આવી હતી પરંતુ અમલીકરણનું શું? પીએમ કિસાન યોજનાનો લાભ માત્ર વીમા કંપનીઓને મળ્યો, ખેડૂતોને નહીં.