- દિવાળીના પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી
- ડ્રોન, બટરફલાય, બ્લુ હેવન જેવા ફટાકડાનું આકર્ષણ
- વેપારીઓને પણ સારા વેપાર ધંધાની આશા
રાજકોટ: તહેવારોની હેલી બરાબરની જામી ઉઠી છે, એક તરફ નવરાત્રિની પૂર્ણાહૂતિ થઇ છે અને દિવાળીના પર્વની આગમનની ઘડીઓ ગણવામાં આવી રહી છે. આવામાં દિવાળીને લઇ બજારો ધમધમવા લાગી છે. ફટાકડા, ઘર સુશોભનની વસ્તુઓથી લઇ કપડાની બજારોમાં રોનક છવાઇ ગયી છે.
બે વર્ષથી તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કોરોનાના કારણે તમામ તહેવારોની રોનક ફિક્કી પડી હતી ત્યારે આ વર્ષે કોરોનામાં રાહત મળતા લોકોમાં ઉત્સાહ જાગ્યો છે. તેમજ વેપારીઓને પણ સારા વેપાર ધંધાની આશા છે.
દિવાળી તહેવાર નજીક આવતા શહેરમાં વિવિધ સ્થળો પર સ્ટોલ લાગી ગયા છે. આ વર્ષે અનેક નવા ફટાકડા બજારમાં આવ્યા છે. પરંતુ ટ્રાન્સપોર્ટ, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં ફટાકડાનાં ભાવમાં 15થી 20 ટકાનો ભાવવધારો નોંધાયો છે. ગત વર્ષે તહેવારો પર પ્રતિબંધ લાગતા વેચાણ તળિયે બેસી ગયું હતું. આ વર્ષે ફટાકડામાં 2000 જેટલી વેરાયટી જોવા મળશે, જેમાં ડ્રોન, બટર ફલાય, કલરફૂલ કોઠી, સ્પીનર, સ્વસ્તીક વ્હીલ, ફલેસલાઈટ, પબજી ગન, પોપકોન તેમજ આકાશી ફટાકડામાં વર્લ્ડ વોર, મેજીક ક્રિસ્ટલ, બ્લુ હેવન, ક્રેકર રેઇન, કોકોડન્ટ ડીલાઇટ જેવી 2000થી વધુ વેરાયટી બજારમાં મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીને ગુજરાતમાં તથા સમગ્ર ભારત દેશમાં મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. ભગવાન શ્રી રામ અસત્યને પરાજીત કરીને 21 દિવસ પછી અયોધ્યા પરત ફર્યા હતા, આ માનમાં આપણા દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.