ચિલોડાથી શામળાજીના હાઈવે પર નવા બનાવેલા ઓવરબ્રિજમાં ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન
હિંમતનગરઃ રાજ્યમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે પસાર થાય છે. આ હાઈવેને હાલમાં સિક્સ લાઈન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચિલોડાથી વાયા હિંમતનગર થઈને શામળાજી સુધીના હિસ્સાનુ કાર્ય છેલ્લા કેટલાક વર્ષથી ગોકળગતિએ ચાલી રહ્યુ છે. નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલા મોટાભાગના નવા ઓવરબ્રિજની હાલત ભંગાર છે. સિક્સલાઈન હાઈવેનું લોકાર્પણ થાય એ પહેલા જ તૈયાર થઈ ચૂકેલા તમામ ઓવરબ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાને કારણે વાહનચાલકો પરેશાન બન્યા છે. ઓવરબ્રીજ પર કેટલાક ખાડાઓને સંતાડવા થીગડા લગાવી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચિલોડાથી લઈને શામળાજી સુધીના સિક્સલેઈન હાઈવેનું કામ ચાલી રહ્યું છે. હાઈવે પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા હાઈવે પરના ઓવરબ્રિજ પરથી અનેક વાહનો પસાર થાય છે. પણ નવા જ બનાવેલા ઓવરબ્રિઝ પર ખાડાઓ પડી ગયા છે. અને તેની પર થાગડ થીગડ કરવામાં આવ્યું છે. પહેલા પણ બેથી ત્રણ વાર આ પ્રમાણે થીગડા લગાવાઈ ચૂક્યા છે. હવે જો આમ જ તેની પર ડામર રોડ બનાવી દેવામાં આવશે તો, તે આગામી ચોમાસામાં ફરી તૂટી જશે. તો વળી ઉનાળામાં પણ ગરમીમાં ફરી તૂટેલા હાઈવે પર પસાર થવાની પરેશાની વેઠવી પડશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચિલોડાથી શામળાજી સુધીના હાઈવેનું કરોડો નહીં અબજો રુપિયાના ખર્ચે નવિનીકરણ થઈ રહ્યુ હોય ત્યારે સ્વાભાવિક જ તેમાં ગુણવત્તા જળવાય એવી અપેક્ષા અને સરકાર અને પ્રજા સૌને હોય. પરંતું સાબરકાંઠા અને અરવલ્લીમાંથી પસાર થતા દિલ્લી-મુંબઈ નેશનલ હાઈવેને સિક્સલાઈન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ચિલોડાથી હિંમતનગર અને હિંમતનગર થી શામળાજી વચ્ચે અનેક ઓવર બ્રિજના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. જેમાથી કેટલાક ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે. જેનો હાલમાં વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવાના શરુ કરવામાં આવ્યા છે. પરંતુ આ નવા નક્કોર બ્રિજ જાણે કે દાયકાઓ જૂના હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. મોટાભાગના નવા ઓવરબ્રિજ પર મસ મોટા ખાડાઓ પડ્યા છે. તો બીજી તરફ ખાડાઓને છુપાવવા માટે મોટા મોટા થીગડાં લગાવવામાં આવ્યા છે. આ વિસ્તારના સાંસદોએ પણ હાઈવેના તમામ ઓવરબ્રિજની ગુણવત્તા અને તેના ટકાઉ પણાની સ્થિતિ અંગે કેન્દ્રીય કક્ષાએ સરકારને ધ્યાને મુકી હતી. જેને લઈ હાઈવે ઓથોરીટીની ઉચ્ચસ્તરીય ટીમો દોડતી હિંમતનગર પહોંચી હતી. જેને લઈ કામની ગતિ વધારવામાં આવી હતી.