દહેગામના નવનિર્મિત ટાઉન હોલનું વડાપ્રધાન મોદીના હસ્તે શુક્રવારે વચ્યુઅલ લોકાર્પણ કરાશે
ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ શહેરમાં ઔડા દ્વારા ટાઉનહોલ બનાવવામાં આવ્યું છે. જેનું વર્ચુઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતી કાલે તા.12મીને શુક્રવારના રોજ કરાશે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મહાત્મા મંદિર ગાંધીનગરમાં વડાપ્રધાનના હસ્તે અનેક વિકાસ કામોના લોકાર્પણ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ શહેર અને તાલુકાના લોકોને ઉપયોગી થઈ શકે એવું ઓડિટોરિયમ બિલ્ડિંગ શહેરની કોલેજની પાછળ સિલોન બંગલોઝ ની પાસે ટી.પી.સ્કીમ નંબર 2, એફ.પી.339 માં રૂપિયા29.26 કરોડનાં ખર્ચે નિર્માણ કરાયું છે. જે ઓડીટોરીયમ બિલ્ડીંગમાં તમામ આધુનિક સગવડો જેવી કે આકર્ષક અને પહોળો મુખ્ય ગેટ અને સાઈડ ગેટ, પૂરતી ક્ષમતાની સીટીંગ વ્યવસ્થા ધરાવતો અત્યંત આધુનિક ઓડિટોરિયમ હોલ, બેંકવેટ હોલ, લાયબ્રેરી, રસોઈ, ફુડ કોર્ટ, વીઆઈપી લોન્જ, ગ્રીન રૂમ, લાઈટ રૂમ, મ્યુઝિક રૂમ, પાર્કિંગ સુવિધા, વગેરે ઊભી કરવામાં આવી છે. નવનિર્મિત ઓડિટોરિયમ હોલ યાને ટાઉનહોલનું વર્ચુઅલ લોકાર્પણ આવતીકાલે તારીખ 12 મે શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાશે,. જેની તૈયારીના ભાગરૂપે દહેગામના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ અને ઔડાના અધિકારીઓએ નવા તૈયાર થયેલા ઓડિટોરિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.
ઔડાના અધિકારીએ જણાવ્યું હતું કે, દહેગામ શહેરમાં લોકાર્પણ થનારા ઔડા ઓડિટોરિયમ ભોંયતળિયુ,બે માળ આરસીસી ફ્રેમ એક્સપોઝડ સ્ટ્રક્ચરવાળું પ્લોટનું ક્ષેત્રફળ 4526.45 ચોરસ મીટર છે જેનો બિલ્ટઅપ એરીયા 8092 ચોરસ મીટર, કાર્પેટ એરીયા 6763.74 ચોરસ મીટર, ઓડિટોરિયમ હોલમાં 623ની બેઠક વ્યવસ્થા છે. જ્યારે બેન્કવેટ હોલની ક્ષમતા 500 વ્યક્તિની છે. આ હોલમાં 156ની બેઠક વ્યવસ્થાવાળું વાંચનાલય પણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત હોલમાં 16 બેઠકની ક્ષમતાવાળું વીઆઈપી લોન્જ ગ્રીન રૂમ પણ બનાવાયો છે. નવીન બનાવેલા ટાઉનહોલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ પીનાબેન શાહ, સહિત નગરપાલિકાના સદસ્યો શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્ર શર્મા તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહેશે. લોકોને ઉપયોગી થઈ શકે અને જુદા જુદા સામાજિક પ્રસંગો માટે યોગ્ય અને આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે.