ડબલ એન ઈફેક્ટ સાથે પીએમ મોદીના આગામી પાંચ વર્ષ નહીં હોય આસાન, જાણો ક્યાં પડકારોનો કરવો પડશે સામનો?
નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએને 400થી વધારે બેઠકો મળી શકી નહીં. ઈન્ડિયા ગઠબંધને હાલની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો છે અને પોતાના લક્ષ્ય 295ની નજીક પહોંચ્યુ છે. કેન્દ્રમાં એનડીએની સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકાર બનાવશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી પાંચ વર્ષ સરકાર ચલાવવી મોટો પડકાર હશે.
ગઠબંધનની સરકાર ચલાવવી નહીં હોય સરળ-
નરેન્દ્ર મોદી અત્યાર સુધી બહુમતીની સરકાર ચલાવતા રહ્યા છે. પરંતુ આગામી પાંચ વર્ષ તેમને હવે ગઠબંધનની સરકાર ચલાવવી મોટો પડકાર હશે. ગઠબંધનના નેતાઓને સાથે લીને ચાલવું તેમની ભાવનાઓને સમજીને નિર્ણય લેવો, આ સરળ નહીં હોય. ગત બે ટર્મમાં મોદીની આગેવાનીમાં ભાજપે 2014માં 282 અને 2019માં 3030 બેકો જીતી હતી. આમ તો ગઠબંધન હોય કે ન હોય, તેમની સરકારની તબિયત પર કોઈ ફરક પડયો નહીં. 2001માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે પણ તેઓ બહુમતી સાથે સરકારમાં હતા. માટે તેમને કોઈ મુશ્કેલી પડી નહીં. પરંતુ 2024માં ભાજપના ખાતામાં માત્ર 240 બેઠકો આવી છે. તેવામાં મોદીએ કોઈપણ નિર્ણય લેતા પહેલા ગઠબંધનના સાથીપક્ષોને પણ ભરોસામાં લેવા પડશે.
વાજપેયી ગઠબંધન સરકાર ચલાવવામાં હતા માહેર-
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ગઠબંધન સરકાર ચલાવવાનો સૌથી સારો અનુભવ હતો. 1996માં 13 પાર્ટીઓએ સાથે મળીને એનડીએ બનાવ્યું હતું. એચ. ડી. દેવેગૌડા પહેલા પ્રધાનમંત્રી બન્યા, બાદમાં આઈ. કે. ગુજરાલે પણ ગઠબંધન સરકાર ચલાવી. 1998માં વાજપેયીની સરકાર આવી અને તેમણે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએ બનાવ્યું. 1999થી 2004ની વચ્ચે વાજપેયીએ 20 પક્ષોની સાથે મળીને સરકાર બનાવી. તેમણે જયલલિતા, માયાવતી અને મમતા બેનર્જીને પોતાની સાથે ગઠબંધનમાં સાથી બનાવ્યા.
નીતિશ કુમાર અને નાયડુ મોદી સરકાર માટે મોટા પડકાર-
નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં તેમની સાથે સૌથી મોટો પડકાર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને સાથે લઈને ચાલવું પડશે. નાયડુ અને નીતિશના સંબંધ નરેન્દ્ર મોદી સાથે ખૂબ સારા રહ્યા નથી. બંને સરકારના ભાગ રહ્યા છે, પરંતુ અલગ પણ થયા હતા.