અમદાવાદ: ઉનાળા પૂર્ણ થવાને હવે વધારે દિવસની વાર નથી. લોકો ગરમીથી કંટાળી ગયા છે અને ભર ઉનાળે આવેલા તાઉતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં થોડી રાહત થઈ હતી. ગરમીનો પારો નીચો થયો હતો પણ અન્ય બાજુ તેના કારણે નુક્સાન પણ જોવા મળ્યું હતુ.
આવા ભારે ઉકળાટના સમયમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 15થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. ગત વર્ષે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અંદાજે 44.77 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનું શરૂ થઈ શકે છે અને 26 મે સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળ સુધી તોફાન પહોંચી શકે છે. આ કારણોસર એવું માની શકાય કે ગત વર્ષ કરતા નૈઋત્યના ચોમાસાનું આ વર્ષે વહેલું આગમન કરી શકે છે.
પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 23 અને 24 મેના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં મેઘમહેર જોવા મળશે. અમદાવાદમાં આજે 36 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યભરમાં આગામી 4-5 દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.
હવામાન વિભાગ પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે.
IMDએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.