ચકચારી સંદેશખાલી કેસની તપાસ એનઆઈએ કરશે, ટુંક સમયમાં આરોપીઓ સામે કરાશે એફઆઈઆર
કોલકોત્તાઃ સંદેશખાલી કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ તપાસ કરશે. તેમજ જ ટુંક સમયમાં જ પોલીસ ફરિયાદ દાકલ કરવામાં આવશે. હાલ તપાસનીશ એજન્સી શાહજહાં શેખની તપાસમાં જોતરાઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે, તેમને સંદેશખાલી જવાથી રોકવામાં આવશે પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તેઓ ત્યાં જઈ રહ્યા છે. બીજી તરફ વૃંદા કરાતે જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસ ગુંડાગીરી કરી રહી છે. મમતા સરકારે આ મામલે કોઈ તપાસ હાથ ધરી નથી અને તેઓ આ ઘટનાને લઈને કાવતરું ઘડી રહ્યા છે.
અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું હતું કે, “પોલીસ તેમની ભૂમિકા નિભાવી રહી નથી. જ્યારે હું શેરીઓમાં ફરતી હતી, ત્યારે એસપી ખુરશી પર બેઠા હતા. તેઓ સમજવા માંગતા નથી.” આ પહેલા પણ ભાજપ અને અન્ય વિપક્ષી નેતાઓ પણ પોલીસ પર આરોપી શાહજહાં શેખને બચાવવાનો આરોપ લગાવી ચુક્યા છે.
સંદેશખાલીમાં 9મી ફેબ્રુઆરીથી ભારે અરાજકતા જોવા મળી રહી છે. વાસ્તવમાં આ વિસ્તારમાં ટીએમસી નેતા શાહજહાં શેખનું વર્ચસ્વ છે. રાશન કૌભાંડમાં 5 જાન્યુઆરીએ EDના દરોડા દરમિયાન તેની ટીમ પર થયેલા હુમલા બાદ શાહજહાં શેખ ફરાર છે. તેના ફરાર થયા બાદ 8 ફેબ્રુઆરીથી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
મહિલાઓનો આરોપ છે કે, શાહજહાં શેખ અને તેના માણસો પણ મહિલાઓનું યૌન શોષણ કરે છે. 9 ફેબ્રુઆરીએ વિરોધ કરી રહેલી મહિલાઓએ શાહજહાંના સમર્થક હઝરાના ત્રણ પોલ્ટ્રી ફાર્મ સળગાવી દીધા હતા. મહિલાઓએ દાવો કર્યો હતો કે, ત્રણેય ફાર્મ સ્થાનિક ગ્રામજનો પાસેથી બળજબરીથી લેવામાં આવેલી જમીન પર બાંધવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પણ અહીં મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે, સંદેશખાલીમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.