અમદાવાદના નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે સફાઈ અને રોડ રિસરફેસના કામો માટે અધિકારીઓને કરી તાકિદ
અમદાવાદઃ શહેરના નવનિયુક્ત મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસને ચાર્જ સંભાળ્યા બાદ તંત્રને ચેતનવંતુ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં ડે.કમિશનરોથી માંડીને તમામ અધિકારીઓને રોડ રિસરફેસ અને સફાઇ સહિતની આવશ્યક સેવાઓની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાની તાકીદ કરી છે. એટલું નહીં મ્યુનિ.કમિશનર શહેરનો રાઉન્ડ લઈ રહ્યા છે. જેથી મ્યુનિના અધિકારીઓ પણ કામગીરીમાં એલર્ટ બની ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર થેન્નારસને કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ બીજા દિવસે સવારથી શહેરમાં રાઉન્ડ લેવા નીકળી ગયા હતા. ખાસ કરીને પૂર્વ પટ્ટામાં શાસક ભાજપ માટે મહત્વપૂર્ણ એવા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટનાં ટેન્ડર મંજૂર થાય તે પહેલાં ખારીકટ કેનાલની મુલાકાત લીધી હતી.ત્યારબાદ સાંજે તેમણે તમામ ડે.કમિશનર, આસિ.કમિશનરો અને ઇજનેર અધિકારીઓ તથા વિભાગોના વડા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જોકે કમિશનરે વધુ ભાર સફાઇ અને રોડ રિસરફેસનાં કામો ઉપર મુક્યો હતો. રોડ રિસરફેસના મુદ્દે તો તેમણે કેટલા ડે.કમિશનરો અને અધિકારીઓએ હોટમિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી કે કયા કયા પ્રકારના ટેસ્ટ મટીરિયલના થાય છે તે ખબર છે તેવો સવાલ કરતાં બધાની બોલતી બંધ થઇ ગઇ હતી. તેમણે રોડ રિસરફેસનાં કામમાં ગુણવત્તા જાળવવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી.
નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે મ્યુનિના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં અમુક અધિકારીઓએ વધારે ડહાપણ ડહોળવાનો પ્રયાસ કરતાં કમિશનરે તેમને પણ લઇ નાખ્યા હતા અને મને ખોટી માહિતી આપશો નહીં, ના ખબર હોય તો ના કહેશો અને કાગળ ઉપર જ બધુ બતાવશો નહીં તેવી કડક ભાષામાં ચીમકી આપી દીધી હતી. તેમજ તમારાથી કામ ના થાય તો ઝોન અને સબ ઝોન લેવલે આપી દો તેમ કહી દીધું હતું. એટલું જ નહીં ડે.કમિશનરો સહિત દરેક અધિકારીને પોતપોતાનાં વોર્ડ વિસ્તારમાં નિયમિત રાઉન્ડ લેવાની તાકીદ કરી હતી. ખાસ કરીને રોડ રિસરફેસ થતાં હોય ત્યારે હોટમિકસ પ્લાન્ટ અને રિસરફેસ થતાં હોય તે જગ્યાની મુલાકાત લેવાની તાકીદ કરતાં કહ્યું કે, મારે કેટલું મટીરિયલ વપરાયું તેની સાથે મતલબ નથી, એકચ્યુઅલ કેટલા રોડ રિસરફેસ થયાં તેમાં રસ છે. શહેરમાં જ્યાં નાગરિકો વધુ અવરજવર કરે છે તે રોડ રિસરફેસ કરવાને બદલે છેવાડાનાં વિસ્તારોમાં નવી સ્કીમો આગળ રોડ રિસરફેસ કરવાની કામગીરીને અગ્રતા આપવા સામે પણ તેમણે નારાજગી વ્યકત કરી હતી.
આ બેઠકમાં મ્યુનિ. કમિશનર થેન્નારસને ઔડા રિંગ રોડ ઉપર સફાઇ કોણ કરે છે તેવો સવાલ કરતાં કોઇ નહીં તેવો જવાબ આવ્યો હતો, તે સાંભળી કમિશનરે કહ્યું કે, રિંગ રોડ ભલે ઔડાએ બનાવ્યો હોય, પરંતુ તે મ્યુનિ.હદમાં આવે છે અને આજુ બાજુનાં વિસ્તારો પણ મ્યુનિ.હદમાં હોય અને ત્યાંથી ટેક્સ મ્યુનિ. ઉઘરાવે છે તો રોડ સફાઇની જવાબદારી પણ મ્યુનિ.ની જ છે તેમ કહી તેમણે રિંગ રોડની સફાઇ કરાવવાની સૂચના આપી દીધી હતી