નવી દિલ્હીઃ બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી 65 ટકા અનામત મામલે કોઈ રાહત મળી નથી. બિહારમાં અનામત વધારીને 65 ટકા કરવા સામે પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર સ્ટે લગાવવાનો ઈન્કાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના નિર્ણયને રદ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકાર તેની સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે બિહાર સરકારના તે નિર્ણયને રદ કર્યો હતો, જેમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે પછાત વર્ગ માટે અનામત વધારવામાં આવી હતી. બિહાર સરકારે પછાત વર્ગો, SC અને ST સમુદાયના લોકો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી છે.
જ્યારે બિહાર સરકાર દ્વારા અનામત મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે રાજ્યના નિર્ણયની બંધારણીય માન્યતાને પડકારતી અનેક અરજીઓ પટના હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે માર્ચમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ પછી 20 જૂને હાઈકોર્ટે બિહાર સરકારને મોટો ઝટકો આપ્યો હતો અને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાજ્ય દ્વારા નિર્ધારિત 65 ટકા અનામતની મર્યાદા રદ કરી હતી.
બિહાર સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય ગેઝેટમાં બે બિલોને સત્તાવાર રીતે સૂચિત કર્યા હતા. તેનો ઉદ્દેશ્ય પછાત અને વંચિત સમાજના લોકો માટે અનામતની મર્યાદા વધારવાનો હતો. બિલ સાથે, બિહાર તે મોટા રાજ્યોમાં સામેલ થઈ ગયું જ્યાં મહત્તમ અનામત આપવામાં આવી રહી હતી. અનામત મર્યાદા 65 ટકા સુધી વધારીને રાજ્યમાં કુલ અનામત 75 ટકા પર પહોંચી ગયું છે. તેમાં EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 10 ટકા અનામતનો પણ સમાવેશ થાય છે.