અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેના લીધે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ વધારો થયો છે. મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સની કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. જ્યારે ટેક્સ સિવાયની આવક પણ કરોડો રૂપિયાની છે. શહેરમાં નવી બિલ્ડિંગો બની રહ્યા છે. બિલ્ડરો પાસેથી એફએસઆઈ અને અન્ય ડેવલપમેન્ટ ચાર્જ લેવામાં આવે છે. જેમાં વર્ષ 2023-24ના વર્ષમાં 1584.91 કરોડની રેકર્ડબ્રેક આવક થઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત ટેક્સ છે. ટેક્સ સિવાય પણ એએમસીને વિવિધ વિભાગોમાં ચાર્જીસની પણ આવક થતી હોય છે. વર્ષ 2023-24માં ચાર્જેબલ FSI અને અન્ય ડેવલપમેન્ટ ચાર્જીસ મળી 1584.91 કરોડની આવક થઈ છે. જે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2023-24માં ચાર્જેબલ FSI હેઠળ રૂ. 885.90 કરોડ તથા અન્ય ડેવલપમેન્ટ ચાર્જીસ હેઠળની આવક રૂ. 699.11 કરોડ સહિત કુલ રૂ. 1584.91 કરોડની આવક થઈ છે. જ્યારે ગત વર્ષ 2022-23માં ચાર્જેબલ FSI હેઠળ રૂ. 534.81 કરોડ તથા અન્ય ડેવલપમેન્ટ ચાર્જીસ હેઠળની આવક રૂ. 438.81 કરોડ સહિત કુલ રૂ. 1018.62 કરોડની આવક થઈ છે. જ્યારે વર્ષ 2021-22માંચાર્જેબલ FSI હેઠળ રૂ. 431.98 કરોડ તથા અન્ય ડેવલપમેન્ટ ચાર્જીસ હેઠળની આવક રૂ. 405.17 કરોડ સહિત કુલ રૂ. 837.15 કરોડની આવક થઈ છે. આમ, છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન AMCની ચાર્જેબલ FSI હેઠળ રૂ. 1852.59 કરોડ તથા અન્ય ડેવલપમેન્ટ ચાર્જીસ હેઠળની આવક રૂ. 1588.09 કરોડ સહિત કુલ આવક રૂ. 3440.68 કરોડની આવક થઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારોમાં FSI શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપવામાં આવે છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવતા FSI ચાર્જીસ તથા અન્ય ડેવલપમેન્ટ ચાર્જીસમાં બેટરમેન્ટ ચાર્જીસ, પ્લાન પાસ કરવાનો ચાર્જીસ, ચણતર ફી (વોટર ચાર્જ), સ્ક્રુટિની ફી, ફાયર ચાર્જ, બિલ્ડિંગ મટીરીયલ્સ રીમુવલ ચાર્જ, ટ્રી પ્લાન્ટેશન ચાર્જ, પરકોલેટિંગ વેલ (ડિપોઝીટ- પરત આપવા પાત્ર)નો સમાવેશ થાય છે. નોનટેક્સ રેવન્યુમાં FSI ચાર્જીસ તથા પ્લાન પાસ કરવા, B U પરમિશન આપવા, સહિત અન્ય ડેવલપમેન્ટ ચાર્જીસનો સમાવેશ થાય છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન AMCની ટેક્સ અને નોન ટેક્સ રેવન્યુમાં વધારો થયો છે.