નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોમવારે પ્રસિદ્ધ થશે જાહેરનામું
અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. બીજી તરફ રાજકીય પક્ષોએ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરી છે. ચૂંટણીપંચ દ્વારા સોમવારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા માટે આગામી તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે 28મી ફેબ્રઆરીના રોજ 55 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તા. 13૩મી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તેમજ 15મી ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે તા. 16મી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવશે.