લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ તપાસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં કુખ્યાત અતિક અહમદની પત્ની શાઈસ્તા પરવીનની સંડોવણી સામે આવી છે. અતિક અહમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જ્યારે જેલની બહાર તેની પત્ની શાઈસ્તા પરવીન આખી ગેંગ ઓપરેટ કરતી હતી. ઉત્તરપ્રદેશ પોલીસ સમગ્ર રેકેટમાં શાઈસ્તા પરવીનની તપાસ કરી રહી છે, આ કેસમાં પરવીન પણ માસ્ટર માઈન્ડ હોવાનું મનાઈ રહ્યું છે.
કુખ્યાત અતિક અહમદનો દીકરો અસદ, શૂટર સાબિર, ગુડ્ડુ મુસ્લિમ, મહોમ્મદ ગુલામ, અરમાન ઉપર ઈનામની રકમ વધારવામાં આવી છે. આરોપીઓ સામે ઈનામની રકમમાં વધારો કરાયો છે. આ કેસમાં પોલીસ હજુ હત્યારાઓ સુધી પહોંચી શકી નથી. શાઈસ્તા પરવીન હાલ ઉત્તરપ્રદેશના રડારમાં છે, સમગ્ર હત્યાકાંડમાં શાઈસ્તા મુખ્ય સુત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ તપાસમાં આ કેસમાં તેનો મહત્વની ભૂમિકા છે. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદ સંદેશ મોકલતો હતો અને તેની પત્ની પરવીન ગુનાને અંજામ અપાવતી હતી. શાઈસ્તા શાર્પશૂટરોના સતત સંપર્કમાં હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અતિક અહમદે પત્ની શાઈસ્તાને સમજી વિરાધીને ગુનાખોરીની દુનિયામાં ઉતારી હતી. અતિકની ઇચ્છા પુત્ર અસદને ગુનાખોરીની દુનિયામાં પોતાના વારસદાર તરીકે ઉતારવા માંગતો હતો. તેમજ શાઈસ્તાને લેડી ડોન બનાવવા માંગતો હતો. અતિકની ગેરહાજરીમાં તેની પત્ની અને દીકરો ગેંગને ઓપરેટ કરે તેવી ઈચ્છા હતી. અતિકના પરિવારમાં હજુ સુધી કોઈ મહિલાની ગુનાખોરીમાં સંડોવણી સામે આવી નથી. સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.