ગુજરાત યુનિ.માં ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે NSUIએ કૂલપતિના રાજીનામાંની માગ કરી
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી ઉત્તરવહીઓ ગુમ થવાના મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા યુનિ.કેમ્પસમાં જ વિરોધ કરવામાં આવ્યો હતો. આંખે પટ્ટી બાંધી અને ગળામાં પૈસાનો હાર પહેરીને કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ આંખ પર કાળા કલરની પટ્ટી બાંધીને તથા ગળામાં નકલી નોટોનો હાર પહેરીને સૂત્રોચ્ચાર સાથે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા. યુનિવર્સિટી ટાવરમાં NSUI કાર્યકરોએ કુલપતિના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી હોવાથી કુલપતિના રાજીનામાની પણ માગ કરી હતી. અને જવાબદારો સામે જ્યાં સુધી કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું. કે, ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી 10 જુલાઇએ રાતે બીએસસી નર્સિંગની પરીક્ષા બાદ 28 ઉત્તરવહી ગાયબ થઇ હતી. યુનિર્વિટી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. પરંતુ યુનિવર્સિટીના સ્ટાફના કર્મચારીઓની સંડોવણી હોવા છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ તપાસમાં પણ યુનિવર્સિટી સહકાર ના આપતી હોવાનો NSUIનો આક્ષેપ કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સરકારના ઇશારે કામ કરી રહી છે. આ સમગ્ર સમામલે કુલપતિ વાકેફ હોવા છતાં તે કોઇ કાર્યવાહી કરતા નથી. જેથી કુલપતિએ પણ રાજીનામું આપી દેવું જોઇએ. આ મામલે હજુ કોઇ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી દિવસમાં યુનિવર્સિટી ઘેરાવ કરીશું.