Site icon Revoi.in

રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા 41000થી વધારીને 1 લાખ કરાઇ

Social Share

ગાંધીનગરઃ છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. ગઈકાલે ગુજરાતમાં 12500 નવા કેસ સામે 13800 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે, જે ખૂબ જ રાહતના સમાચાર છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ કોરોના વોરિયર્સની દિવસ- રાત મહેનત અને લોકોના સહકાર- જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં પણ ધીમે ધીમે મક્કમતાથી બહાર આવી રહ્યું છે તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન  વિજય રૂપાણીના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ- વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર- પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો હતો. મુખ્યપ્રધાન રૂપાણીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, સાફ નિયત, સાચી દિશા અને પરિશ્રમની પરાકાષ્ઠા સાથે રાજ્ય સરકાર કોરોના સામે જંગ જીતવા સતત કાર્યરત છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા 18હજારથી વધારીને 58 હજાર કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી 2000 જેટલી હોસ્પિટલોમાં દૈનિક 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અવિરત પ્રવાહ પુરો પાડવામાં આવી રહ્યો છે.

નવા નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા એક માસના ગાળામાં ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે રાજ્ય સરકારે 7 લાખથી વધુ રેમડેસિવર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને દર્દીઓને સુવિધા પુરી પાડી છે જેના પરિણામે આજે ગુજરાતમાં કોરોનાના નવા કેસ કરતાં વધુ દર્દી સાજા થઈને ઘરે જઈ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યપ્રધાને  કહ્યું હતું કે, ગુજરાત સરકારે કોરોના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા માટે ગત તા, 01 મેથી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં ગામમાં સર્વેલન્સ કરીને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતાં લોકોને અલગ કરીને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે અને જો તેમાં કોઇ પોઝિટિવ આવે તો ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં તેની અલગથી સારવાર આપીને સંક્રમણને આગળ વધતું અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ અભિયાન હેઠળ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યના 33 જિલ્લામાં 13000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર નિર્માણ કરીને 1 લાખ 20 હજારથી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરી છે. ગામના લોકો અને વહીવટી તંત્રના સહિયારા પ્રયાસો, સૌના સહકારથી ગુજરાતમાં કોરોના હારશે અને ગુજરાત જીતશે તેવો વિશ્વાસ મુખ્યપ્રધાને  વ્યક્ત કર્યો હતો.