દિલ્હીઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ દિલ્હીમાં વધી રહ્યાં છે. કોવિડ-19ના ઝડપથી વધતા કેસ વચ્ચે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, શહેરમાં પોઝિટિવિટી રેટ છ ટકા પહોંચી ચુક્યો છે. સરકારનું કહેવું છે કે, દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા એક સપ્તાહમાં પીક ઉપર પહોંચી શકે છે.
સત્તાવાર આંકડા અનુસાર દિલ્હીમાં જાન્યુઆરીના પહેલા બે દિવસમાં ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે નોંધાયેલા કેસને પાછળ પાડી દીધા છે. સત્યેન્દ્ર જૈનએ કહ્યું હતું કે, જીનોમ સીક્વેસિંગ રિપોર્ટ બતાવે છે કે દિલ્હીમાં ટેસ્ટ કરાયેલા કોરોના સેમ્પલમાં 81 ટકામાં ઓમિક્રોન મળી આવ્યો છે. જેથી શહેરમાં ઝડપથી વધતા કેસ પાછળ ઓમિક્રોનને જવાબદાર માનવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં કોવિડ-19ના 187 સેમ્પુલ ટેસ્ટ કરાયા હતા જેમાં 152માં ઓમિક્રોન મળી આવ્યો છે. ટેસ્ટ રિપોર્ટમાં ડેલ્ટાના 8.5 ટકા કેસ સામે આવ્યાં છે. આનો અર્થ એ થાય કે દિલ્હીમાં હવે ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે. જ્યારે બીજા વેરિએન્ટનો ખતરો ઓછો છે. કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. મોટાભાગના દર્દીઓને ગંભીર લક્ષણો જોવા મળ્યાં નથી. જો કે, આઈસોલેશન પોલિસી સારી સાબિત થઈ રહી છે. કેટલાક દર્દીઓમાં તાવ અને શરદીના લક્ષણો જોવા મળ્યાં છે પરંતુ ઓમિક્રોનમાં ગંભીર કેસ સામે આવ્યાં નથી.
તેમણે વધુમાં કહ્યું કે, હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોનના દર્દીઓમાં ઓક્સિજનની સમસ્યા જોવા મળી નથી. કોરોનાના કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.