નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે બીજી તરફ રસીકરણ અભિયાનને પણ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 199 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.75 કરોડ (3,75,56,269) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. 1.05 કરોનો વોરિયર્સને પ્રથમ ડોઝ, એક કરોડ કર્મચારીઓને બીજો ડોઝ તથા 59 લાખ લોકોને સાવચેતી ડોઝ અપાયો છે.
આ ઉપરાંત 18થી 44 વર્ષના 55.87 કરોડને પ્રથમ, 50.45 કરોડને બીજો તથા 41 લાખ લોકોને સાવચેતી ડોઝ આપવામાં આવ્યો છે. 45થી 59 વર્ષના 20.35 કરોડ લોકોને પ્રથમ, 19.42 કરોડને બીજો અને 31 લાખ લોકોને સાવચેતી ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 13 કરોડ સિનિયર સિટિઝનોએ પ્રથમ, 12.13 કરોડ લોકોએ બીજો અને 2.65 કરોડ લોકોએ સાવચેતી ડોઝ લીધા છે.
12થી 14 વર્ષની ઉંમરના 3.76 કરોડ બાળકોએ પ્રથમ, 2,53 કરોડ બાળકોએ બીજો, 15થી 18 વર્ષના 6.07 કરોડ સગીરોએ પ્રથમ તથા 4.97 કરોડ સગીરોએ બીજો ડોઝ લીધો છે. તમામને કોરોનાની રસી મળી રહે તે માટે કેન્દ્ર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.