ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 2.18 લાખનો ઘટાડો
ગાંધીનગરઃ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. બજેટનો મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવતો હોવા છતાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 2.81 લાખનો ઘટાડો થયો છે. સરકારે બેટી બચાવો, બેટી પઢાવોનું સૂત્ર તો આપ્યું છે. છતાં આ સૂત્રને સરકાર સાર્થક કરી શકી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં 2.18 લાખનો ઘટાડો નોંધાયો છે. અને કુલ વિદ્યાર્થીઓમાં 5.56 લાખનો ઘટાડો નોંધાયો છે. 2016-17માં 41.98 લાખ વિદ્યાર્થિનીઓની સંખ્યા નોંધાઈ હતી જે 2020-21માં ઘટીને 39.80 લાખ થઈ ગઈ છે. જેની સામે શાળા છોડવાનો દર ધોરણ 1થી 7માં 6.34 ટકા હતો તે ઘટીને 3.39 ટકા થઈ ગયો છે. વિદ્યાર્થિનીઓમાં આ દર 6.74થી 3.90 ટકા નોંધાયો છે.
સામાજિક-આર્થિક સમીક્ષાના રિપોર્ટ મુજબ 2021-2022 અનુસાર, કન્યાઓની માટેની શાળાઓમાં પણ છેલ્લાં પાંચ વર્ષમાં સતત ઘટાડો નોંધાયો છે. 2016-17માં 1,429 શાળાઓ હતી જે 2020-21માં ઘટીને 1,330 થઈ ગઈ છે. સૌથી ઓછી કન્યા પ્રાથમિક શાળાઓની યાદીમાં અરવલ્લી જિલ્લો આવે છે જ્યાં માત્ર એક જ શાળા છે જ્યારે ડાંગમાં બે શાળાઓ છે. પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાઓની સંખ્યામાં 478નો વધારો નોંધાયો છે પરંતુ કુલ શિક્ષકોની સંખ્યામાં 4440નો ઘટાડો નોંધાયો છે. પ્રાથમિક શાળાઓમાં 2016-17માં કુલ શિક્ષકોની સંખ્યા 3.30 લાખ હતી જેમાં 1.85 લાખ શિક્ષિકાઓનો સમાવેશ થતો હતો. 2020-21માં કુલ શિક્ષકોની સંખ્યામાં 4,440નો ઘટાડો નોંધાતા તે 3.23 લાખ થઈ. 6 વર્ષના સમયગાળામાં 1690 શિક્ષિકાઓનો ઘટાડો નોંધાયો છે.
રિપોર્ટમાં જણાવાયા મુજબ કચ્છ જિલ્લામાં સૌથી વધુ 132 કન્યા પ્રાથમિક શાળાઓ છે. બીજા નંબરે સુરત (115) અને રાજકોટ 95 શાળાઓ સાથે ત્રીજા નંબરે છે. અમદાવાદ જિલ્લામાં 59 શાળાઓ છે. અરવલ્લી 1 અને ડાંગ જિલ્લો 2 શાળા સાથે સૌથી ઓછી શાળાઓની યાદીમાં આવે છે.