Site icon Revoi.in

માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો, માલદીવના ટુરિઝમને પડ્યો ફટકો

Social Share

માલેઃ  માલદીવ્સ અને ભારત વચ્ચે સર્જાયેલી મડાગાંઠને લીધે માલદીવના પ્રવાસન પર અસર પડી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પ્રથમ ક્વાટરમાં માલદીવ્સમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માલદીવ્સના પર્યટન મંત્રાલયે જણાવ્યું કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 43,991 પ્રવાસીઓ આવ્યા હતા. 2023માં આ દરમિયાન આ સંખ્યા 73,785 હતી. ત્યારે માલદીવ્સના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે ભારતીયોને માલદીવ્સની મુલાકાત લેવાની અપીલ કરી છે, તેમણે કહ્યું હતું કે માલદીવ્સની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર છે.

માસદીવ્સના પર્યટન મંત્રીએ કહ્યું હતું કે માલદીવ્સ હંમેશા ભારત સાથે મિત્ર બનવા માંગે છે. અમારી સરકાર ભારતીયોના સ્વાગત માટે હંમેશા તૈયાર છે. માલદીવ્સમાં સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા હતા. હવે આ સંખ્યા છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.  હવે ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતના ઘણા શહેરોમાં રોડ શોનું આયોજન કરાશે.

દરમિયાન માલદીવ્સ એસોસિયેશન ઓફ ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સ (MATATO) એ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રવાસ અને પ્રવાસન સહયોગ વધારવા પર ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવર સાથે ચર્ચા કરવામાં આવી હતી. ખરેખરમાં, જાન્યુઆરી 2024 થી, માલદીવ્સની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેનું કારણ ત્યાંના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વિવાદીત ટિપ્પણી છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, ગઈ તા.7મી જાન્યુઆરીના રોજ, હેશટેગ બોયકોટ માલદીવ્સ ભારતમાં ટ્રેન્ડ થયો હતો. પીએમ મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસનો વીડિયો શેર કર્યો હતો. આમાં લક્ષદ્વીપ હવે સુંદરતાના મામલે માલદીવ્સને ટક્કર આપતો જોવા મળી રહ્યો છે. આ પછી લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે માલદીવ્સ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા કરતાં લક્ષદ્વીપ જવું સારું છે. આના કારણે માલદીવ્સના મંત્રીઓ અને નેતાઓ નારાજ થયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.