રામ મંદિર નિર્માણ માટે શ્રમજીવીઓની સંખ્યામાં કરાયો વધારો, હવે 24 કલાક નિર્માણ કાર્ય ચાલશે
નવી દિલ્હીઃ અયોધ્યા મહિનામાં જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન રામ મંદિરના નિર્માણનું કાર્ય વધારે તેજ બનાવવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ 15મી જાન્યુઆરી સુધી વધારેમાં વધારે સુવિધાઓ પુરી પાડવાની તૈયારીમાં લાગ્યું છે. જેને ધ્યાનમાં રાખીને વધારે 500 શ્રમજીવીઓને નિર્માણ કાર્યમાં જોતરવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3500 જેટલા શ્રમજીવીઓ નિર્માણ કાર્ય કરતા હતા. હવે આ આંકડો વધીને ચાર હજાર ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં બે શિફ્ટમાં શ્રમજીવીઓ આઠ-આઠ કલાકની ડ્યુટી કરતા હતા. હવે શ્રમજીવીઓ ત્રણ શિફ્ટમાં કાર્ય કરશે. આમ હવે મંદિર નિર્માણ કાર્ય 24 કલાક ચાલશે.
રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કાર્ય પૂર્ણતાના આરે છે. તેનું ફિનિશિંગ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લોરિંગનું કામ પૂર્ણતાના આરે છે. ભોંયતળિયાના થાંભલાઓમાં શિલ્પો કોતરવાનું કામ પણ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મંદિરના ગર્ભગૃહમાં બનેલા ત્રણ ફૂટ ઉંચા અને આઠ ફૂટ લાંબા સિંહાસનને સુવર્ણ જડાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. સિંહાસન પર તાંબાની ચાદર ચઢાવવામાં આવી રહી છે. તાંબા પર સોનાનો લેયર ચડાવવામાં આવશે. મંદિરના મુખ્ય દ્વાર અને ગર્ભગૃહના સિંહાસનને સોનાથી મઢવામાં આવશે. દિલ્હીની એક જ્વેલર્સ કંપની આ કામ કરી રહી છે. રામ લલાના સિંહાસનને સર્વણજડીત કરવાનું કામ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું કે 15 જાન્યુઆરી સુધીમાં મંદિરનું મહત્તમ કામ પૂર્ણ કરવાની યોજના છે.