અમદાવાદઃ અષાઢી બીજનાં પવિત્ર દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના અધ્યક્ષસ્થાને અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ-કલોલના ઉપક્રમે નવનિર્મિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ તેમજ નિર્માણાધિન 750 બેડની પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી-સ્પેશ્યાલીટી(PSM) હોસ્પિટલનો શિલાન્યાસ સમારોહ કલોલ ખાતે યોજાયો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતમાં ધર્મની સાથે-સાથે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને વ્યસન મુક્તિ જેવા અનેક ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સહિત અનેકવિધ સેવાભાવી સંસ્થાઓનું વ્યક્તિ, સમાજ અને દેશના ઘડતરમાં અનેરું યોગદાન રહેલું છે. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે થયેલું સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ અને 750 બેડની મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ભૂમિપૂજન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે છપૈયામાં જન્મ લઈને નીલકંઠનું બાળ સ્વરૂપ ધારણ કરીને ભારતભ્રમણ દરમિયાન ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર અને અધ્યાત્મિક ક્ષેત્રે સેવાની સરવાણી પ્રસરાવી હતી જે સ્વામિનારાયણ સંપ્રદાય આજે વટવૃક્ષ બનીને વિવિધ સ્વરૂપે સમાજ ઘડતરનું ઉમદા કામ કરી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજીના આશીર્વચનથી વર્ષ 1992માં કલોલ ખાતે ગુરુકુળની સ્થાપના થઇ હતી. 25 એકર વિસ્તારમાં વિસ્તરેલી આ સંસ્થામાં આજે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે-સાથે ધર્મ અને સંસ્કારનું સિંચન થઇ રહ્યું છે. જેમાં હવે આગામી સમયમાં 750 બેડની આ મલ્ટી-સ્પેશ્યાલીટી હોસ્પિટલ કાર્યરત થવાથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધીના સામાન્ય નાગરિકોને ઉત્તમ સારવાર ઉપલબ્ધ થશે.
દેશમાં વર્ષ 2013-14 પહેલા મેડીકલ કોલેજોની સંખ્યા માત્ર 387 હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 8 વર્ષમાં આ મેડીકલ કોલેજોની સંખ્યા વધીને હાલમાં 603 થઇ છે. દેશમાં અગાઉ MBBSની બેઠકો 51348 હતી જેમાં મોદી સરકાર દ્વારા વધારો કરીને હાલમાં 89875 કરાઈ છે, જ્યારે MD અને MSની બેઠકોને પણ 31100થી વધારીને 60 હજાર કરાઈ છે.