Site icon Revoi.in

અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લીધા છે.અને જનજીવન પણ હવે રાબેતા મુજબનું બની ગયું છે.સાથે શહેરી પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા પણ રાબેતા મુજબ સેવારત બની ગઈ છે. પરંતુ એએમટીએસ અને બીઆરટીએસમાં કોરોના કાળ પહેલા જે ટ્રાફિક જોવા મળતો હતો તેવો ટ્રાફિક જોવા મળતો નથી.એએમટીએસ અને બીઆરટીએસમાં માર્ચ 2020ની શરુઆતમાં નિયમિત 7.25 લાખ પેસેન્જર મુસાફરી કરતા હતા. હવે તેમાં ઘટાડો થયો છે અને સંખ્યા 3.5 લાખે પહોંચી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસએ સંપૂર્ણ કામગીરી શરૂ કરી દીધી છે પરંતુ બસના પેસેન્જરો હજી સુધી પરત આવ્યા નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં બસમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા 8.5 લાખ કરતા વધારે હતી, પરંતુ બીઆરટીએસ આવતા તેમા થોડો ઘટાડો થયો હતો. બુધવારે બીઆરટીએસમાં 1.05 લાખ મુસાફરો નોંધાયા હતા જ્યારે એએમટીએસમાં 2.5 લાખ હતા. એએમસીના અધિકારીઓએ કહ્યું હતું કે, સવારીનું સરેરાશ અંતર 8 કિમી હતું, તેનો અર્થ એ થયો કે વધુ લોકો લાંબી મુસાફરી કરે છે અને ઓછા અંતર માટે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનું ટાળે છે. અધિકારીઓએ કહ્યું હતું કે, બીઆરટીએસમાં એસી હોવા છતાં સિસ્ટમ નવા પેસેન્જરોને તેના તરફ દોરવા માટે નિષ્ફળ રહી છે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે, અસરકારક જાહેર પરિવહન વ્યવસ્થાની ગેરહાજરીમાં, શહેરમાં રિક્ષાનો ઉપયોગ તેમજ વાહનોની ગીચતા પણ વધી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં  બે આરટીઓ કચેરી સુભાષ બ્રિજ (GJ-01) અને વસ્ત્રાલ (GJ-27)માં 2019ની શરૂઆતથી 6 લાખ નવા વાહનો નોધાયા હતા. આ આરટીઓમાં કુલ 32 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન છે. સુભાષ બ્રિજ આરટીઓના અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મોટાભાગે ફોર-વ્હીલર સેગ્મન્ટમાં રજિસ્ટ્રેશન થયું છે અને ટુ-વ્હીલર રજિસ્ટ્રેશન ધીમે-ધીમે મહામારી પહેલાના સ્તર પર પરત આવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના ડરથી લોકો જાહેર પરિવહન સેવાથી દૂર ભાગી રહ્યા છે. જો કે, એએમસીના અધિકારીઓએ ધ્યાન દોર્યું હતું કે એએમટીએસ સતત રસ્તા પર બસોની સંખ્યા ઓછી કરી રહી છે અને કેટલાક નાના રૂટને ભેગા કીધા છે. જેના કારણ કે જાહેર પરિવહનમાં પેસેન્જરોની સંખ્યા ઘટી છે.
એએમસીના અધિકારીઓએ કહ્યું હતું કે, શહેરમાં મેટ્રો સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયા બાદ શું પ્રતિસાદ મળે છે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મેટ્રો ચોક્કસ રીતે એએમટીએસ અને બીઆરટીએસના પેસેન્જરોની સંખ્યાને પ્રભાવિત કરશે. કારણ કે મેટ્રો ખાનગી વાહનોના વપરાશકર્તાઓને આકર્ષિત કરી શકશે નહીં કેમ કે તે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે નહીં.