અમદાવાદઃ દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીઓને નૈસર્ગિક વાતાવરણ મળતા તેમની સંખ્યામાં પણ વધારો થયો છે. અહીં જોવા મળતા રીંછની પ્રજાતિ સ્લોથ બીયરની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 ઉપર પહોંચી છે.
બારિયા વન વિભાગના નાયબ વન સંરક્ષક (આઇએફએસ) આર.એમ.પરમારએ જણાવ્યું હતું કે, અહીં જોવા મળતા સ્લોથ બીયરની સંખ્યા વધીને 122 જેટલી થઇ છે. દાહોદ જિલ્લો અંદાજિત 88 હજાર હેકટર જેટલો વન વિસ્તાર ધરાવે છે. વન વિભાગ વનોના સંરક્ષણ તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે દાહોદ જીલ્લામાં સતત રીંછની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. વનવિભાગ દ્વારા રીંછોની વસ્તી ગણતરી દર ચાર વર્ષે થાય છે. જેમાં ખાસ પદ્ધતિને અનુસરવામાં આવે છે. બારીઆ વન વિભાગ બારીયા તેમજ સાગટાળા રેન્જ વિસ્તારમાં રીંછની સંખ્યા સતત વધી રહી છે.
આ જુન મહીનામાં કરવામાં આવેલી રીંછની વસ્તી ગણતરીમાં જોવા મળ્યું કે બારીઆ રેન્જના વિવિધ વિસ્તારોમાં રીંછની અંદાજિત સંખ્યા 7 થઇ છે. જયારે સાગટાલા રેન્જ વિસ્તારમાં રીંછની અંદાજિત સંખ્યા 45 જેટલી જણાઈ આવી છે. તેમજ રતનમહાલ રીછ અભ્યારણમાં રીંછની અંદાજિત સંખ્યા 70 હોવાનું જણાયું છે. આમ રીંછોની સંખ્યા અંદાજે 122 જેટલી થઇ છે.
વન વિભાગ દ્વારા રહેઠાણ સુધારણા હેઠળ કુદરતી પાણીના સ્ત્ર્રોતનું નવીનીકરણ, કૃત્રિમ પાણીના પોઇન્ટ તેમજ રીંછના ખોરાક માટે ફળાઉ જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેના પરિણામે રીંછોની સંખ્યામાં વધારો થયો છે.