- સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે
- હોટ એર બલૂનની સુવિધા શરૂ
- પ્રવાસીઓમાં પણ બન્યો ચર્ચાનો વિષય
ગુજરાતમાં પ્રવાસીઓને પસંદ આવતા સૌથી વધારે સ્થળોમાંનું એક સ્થળ એટલે કે સાપુતારામાં હવે હોટ એર બલૂનની સેવા શરૂ કરવામાં આવી છે. આ કારણોસર હવે ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. સાપુતારા પોતાના કુદરતી સૌંદર્યનાં કારણે દેશભરમાં પ્રખ્યાત છે. હાલમાં શિયાળાની ઠંડી અને દિવાળી વેકેશનમાં ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું છે.
હાલમાં રવિવારથી ડાંગ જિલ્લા પેરાગ્લાયડીંગ એડવેન્ચર એસોસિયેશન સાપુતારાનાં નેજા હેઠળ પ્રવાસીઓ માટે પેટ્રોલથી સંચાલિત પેરામોટર અને એરબલૂનની હવાઈ સફરનો હેલિપેડ ખાતે શુભારંભ કરાવ્યો હતો. ત્યારે એડવેન્ચર શોખીનોમાં ખુશી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે,દિવાળી પર્વમાં સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટયું હતું. ગુજરાતના પ્રવાસીઓમાં સાપુતારા સૌથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. ત્યારે સાપુતારાના પ્રવાસનસ્થળોમાં વિકાસ કરવા સરકાર સતત પ્રયત્નશીલ બની રહી છે.
જો કે,ગુજરાતમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. ગુજરાતના દરિયા કિનારે આવેલા સોમનાથ, દ્વારકા અને પોરબંદર જેવા અનેક સ્થળો છે જ્યાં પ્રવાસીઓને ફરવાનું વધારે પસંદ હોય છે. દિવાળીના સમયે કે તહેવારના સમયે આ સ્થળો પર વધારે પ્રવાસીઓની સંખ્યા જોવા મળે છે. ગિરિમથક સાપુતારાના હેલિપેડ પર પ્રથમ વખત નવલા નજરાણા સ્વરૂપે પ્રારંભ થયો છે. જેમાં પેરામોટર એડવેન્ચર અને એરબલૂન એડવેન્ચરમાં ફરવા આવેલ પ્રવાસીઓએ હવાઈ સફર કરી કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણ્યો છે.