અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવાની સાથે મતદાન મથકો પણ નિયત કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની સંખ્યા વધીને 25.75 લાખ ઉપર પહોંચી છે.
નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 1 ઓક્ટોબર 2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના હાલમાં કુલ મતદારો 25.73 છે. જે પૈકી મહિલા મતદારો 12.56, પુરુષ મતદારો- 13.18 લાખ તથા અન્ય 226 છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેથી ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.